મેરાન્યૂઝ નેટવર્ક.હૈદરાબાદઃ તેલંગાના ખાતે એક મહિલા વેટનરી ડોક્ટરની બર્બરતા પૂર્વક હત્યા અને દુષ્કર્મ કરવાના બનાવમાં હાલ દેશભરમાં ન્યાયની માગણીઓ સાથે લોકો અવાજ ઉપાડી રહ્યા છે. લોકો આરોપીઓને ફાંસી કે પછી તેમને પણ જીવતા સળગાવી દો તેવી માગણી કરી રહ્યા છે. આ ઘટનામાં તુરંત સજા કરવાની માગણી થઈ રહી છે પરંતુ દેશની કાયદાકીય પ્રોસીજર જે પ્રમાણે ધીમી છે તે પ્રમાણે લોકો હતાશા વ્યક્ત કરી રહ્યા છે.

આ બનાવમાં આરોપી એવા સી. ચેન્નાકેશાવુલુની માતા શ્યામલાએ એક અંગ્રેજી સમાચારપત્ર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, તેને ફાંસી આપી દેવી જોઈએ કે આગના હવાલે કરી દેવો જોઈએ, જેવી રીતે તેણે મહિલા ડૉક્ટરની સાથે દુષ્કર્મ બાદ કર્યું. આરોપીની માતાએ એમ પણ કહ્યું કે, તે પરિવારના દર્દને સમજી શકે છે. તેઓએ કહ્યું કે, મારી પણ એક દીકરી છે અને હું તે પરિવારનું દુ:ખ સમજી શકું છું કે તે પરિવાર હાલ કેવી સ્થિતિમાં હશે. જો હું મારા દીકરાનો બચાવ કરીશ તો જીવનભર લોકો મારી ઘૃણા કરશે. ચેન્નાકેશાવુલુના લગ્ન 5 મહિના પહેલા જ થયા હતા. તેઓએ કહ્યું કે, તેની પસંદની યુવતી સાથે તેના લગ્ન કરાવ્યા. મારા દીકરાને કિડનીની બીમારી છે. જેથી અમે ક્યારેય તેની પર દબાણ નહોતું કર્યું. દરેક 6 મહિના બાદ અમે લોકો તેને હૉસ્પિટલ લઈને જતાં હતા.

કોર્ટે આ ઘટનામાં પકડાયેલા 4 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ આપ્યા છે. હાલ દેશભરમાં વિવિધ સ્થાનો પર દેખાવો થઈ રહ્યા છે, વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ લોકો ન્યાય માગી રહ્યા છે.