મેરાન્યૂઝ નેટવર્ક.હૈદરાબાદઃ 9 દિવસ પહેલા હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટર સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી તે શુક્રવારની સવાર દેશ માટે કાંઈક અલગ જ હતી. લોકો જ્યારે સવારે કામકાજમાં લાગ્યા અને તેમણે આ પહેલા સમાચાર જાણ્યા તો તે આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા છે તો ધીમેધીમે એન્કાઉન્ટરના સ્થળ પર લોકોની ભીડ આવવા લાગી, એમ કહો કે લોકોનો પ્રવાહ આવી ગયો હતો. જ્યાં લોકોએ પોલીસ પર ફૂલો વરસાવ્યા હતા અને કેટલાકે તો પોલીને ખભે લઈ નાચ્યા હતા.

પોલીસ મુજબ ઘટના સ્થળ પર તેઓ આરોપીઓને ઘટનાના રિ-કન્સ્ટ્રક્શનની કામગીરી માટે લાવ્યા હતા. આ દરમિયાન શખ્સોએ પોલીસનું હથિયાર ઝૂંટવી પોલીસ પર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો જે એન્કાઉન્ટરમાં આ ચારેય આરોપીઓ ઠાર કરાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળ પર લોકોનો પ્રવાહ ધસી આવ્યો. જેને પણ ખબર પડી તે ઘટના સ્થળ પર દોડી આવ્યો અને સ્થિતિ એવી થઈ ગઈ કે પોલીસને લોકોને સંભાળવા માટે મોટી ફોર્સ બોલાવવી પડી.

લોકોએ આ એન્કાઉન્ટરમાં પોલીસની સરાહના કરી હતી. જ્યારે ઘણાઓએ આ જ ન્યાય કાયદાકીય રીતે મળ્યો હોત તો ઘણી વધુ ખુશી હોત તેવું પણ કહ્યું હતું.
દરમિયાનમાં પોલીસના કેટલાક સ્ટાફને લોકોએ ખભે લઈ લીધા અને નાચવા લાગ્યા હતા જેનો વીડિયો અહીં દર્શાવ્યો છે (વીડિયો-ફોટો સૌજન્ય ANI)