પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આ લેખ લખતા પહેલા મારા અંગત કહી શકાય તેવા અનેક મિત્રને ફોન કર્યો અને સવાલ પુછયો કે તમે તમારા ઘરનું સંડાસ સાફ કરો છો ? અને જવાબ હા હોય તો સપ્તાહમાં કેટલા દિવસ સંડાસ સાફ કરો છો ? તમને પણ મારો આ પ્રશ્ન બહુ વિચિત્ર લાગતો હશે, તમને થતુ હશે આ કઈ લેખનો વિષય કહેવાય.. પણ મેં મારા મિત્રોને આ સવાલ પુછયો તેમની પ્રતિક્રિયા કઈક આ પ્રકારની હતી, પ્રશ્ન સાંભળતા જ ઘણા મિત્રો સામો સવાલ કરતા શુ..હું તેમને આ પ્રકારનો સવાલ થોડુ પુછુ..એટલે તેઓ પ્રશ્નની ખરાઈ કરવા પ્રશ્ન સાંભળ્યો હતો છતાં તેમનાથી શુ પુછાઈ જતો પ્રશ્ન ખુબ અનપેક્ષીત હતો, તે વાત સાચી છે ઘણા મિત્રોએ તો પ્રશ્ન સાંભળ્યા પછી સંડાસ કયારે સાફ કર્યુ તેનો ઉત્તર આપવાને બદલે તેઓ કચરા-પોતુ અને રસોઈ કરે છે તે પ્રકારનો ઉત્તર આપ્યો હતો.

કેટલાંક મિત્રને પ્રશ્ન પુછતા જાણે મેં તેમના સ્વમાન ઉપર ઘા કર્યો હોય તેવા ભાવથી તેમણે કડક અવાજમાં કહ્યુ ના કયારેય નહીં, મેં ઘણા બધા મિત્રો સાથે વાત કરી તેઓ શૈક્ષણિક-આર્થિક અને અલગ જાતી-ધર્મના લોકો હતા, મેં જેમને પણ આ પ્રશ્ન પુછયો તે પૈકી એક પણ મિત્રએ એવો મળ્યો નહીં જેણે એવુ કહ્યુ હોય કે હા હું રોજ મારા ઘરનું સંડાસ સાફ કરુ છુ બે ટકા મિત્રોએ એવો જવાબ આપ્યો કે સપ્તાહમાં એકાદ બે દિવસ સાફ કરીએ છીએ આમ 98 ટકા મિત્રોનો જવાબ ના હતો, તમને થશે કે હું બીજાને પ્રશ્ન પુછી રહ્યો છુ પણ હું પોતે આ કામ કરુ છુ કે નહી તો કહીશ કે છેલ્લાં પાંચ વર્ષથી ચુકયા વગર રોજ હું મારા ઘરનું સંડાસ સાફ કરુ છુ.

હું મારા ઘરનું સંડાસ સાફ કરુ તે કોઈ ઐતિહાસીક ઘટના અથવા બહાદુરી નથી, મારી માં અને મારી પત્નીએ મને કયારેય સંડાસ સાફ કરવાનું કહ્યુ ન્હોતુ,પણ ખબર નહીં પાંચ વર્ષ પહેલા અનાયાસે હું આ કામ કરવા લાગ્યો, જેના કારણે આજે મારા માટે જેમ અન્ય કામ સહજ છે એટલુ જ સંડાસ સાફ કરવુ સહજ લાગે છે, તેનો ભાર પણ લાગતો નથી અને અભિમાન પણ નહીં, પણ સંડાસ સાફ કરવાને કારણે મને જે માનસીક ફાયદો થયો તેની વાત અહિયા કરવી છે, પહેલા તો આપણે સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરીએ છીએ પણ મનમાં ઘર કરી ગયેલી માન્યતા પ્રમાણે ઘરનું સંડાસ તો ઘરની મહિલા જ અથવા નોકરની વ્યવસ્થા હોય તો નોકર જ સાફ કરશે તેવુ આપણે સ્વીકારી લીધુ છુ માત્ર પુરૂષો જ તેવુ માને છે તેવુ નથી ઘરની સ્ત્રીઓ પણ માને છે કે સંડાસ સાફ કરવાનું કામ સ્ત્રીઓનું છે એટલે તે પોતાના દિકરા, પતિ અને ભાઈને કહેતી નથી કે ચાલ સંડાસ સાફ કર.

જે સંડાસનો ઉપોગ દિવસ દરમિયાન આપણે અનેક વખત કરીએ છીએ તે આપણે સાફ કરવુ જોઈએ તેવુ આપણને કયારેય લાગતુ જ નથી, કારણ આપણે માની લીધુ કે સંડાસ તો માં , પત્ની અને બહેન જ સાફ કરે, પણ મેં જયારથી સંડાસ સાફ કરવાની શરૂઆત કરી ત્યારથી મને સંડાસ સાફ કરતી મારી મા-પત્ની અને સફાઈ કામદાર માટે આદર થવા લાગ્યો, કોઈની ગંદકી સાફ કરવાનું કામ મુશ્કેલ હોય છે અને આટલા વર્ષો આપણે જેને ગંદુ કરતા રહ્યા તે સંડાસ આપણા ઘરની સ્ત્રીઓ અને બહાર સફાઈ કામદાર કોઈ ફરિયાદ અને છોછ વગર એક પુજાની જેમ કામ કરતો રહ્યો અને આપણેને તેના કામની કયારેય કદર જ થઈ નહીં, મેં જયારેથી આ કામની શરૂઆત કરી ત્યારથી સફાઈ કરનાર તમામ માણસો તરફ જોવાની મારી દ્રષ્ટી બદલાઈ ગઈ.

સંડાસ સાફ કરતી વખતે આપણો અહ્મં, આપણા શિક્ષણનો ભાર, આપણો હોદ્દો અને સંપત્તીનું ગુમાન બધુ જ એક સાથે ઓગળી જાય છે, આવુ કેવી રીતે બને તેવો તમને પ્રશ્ન થાય તો કહીશ કે આ સ્વાનુભવ વગર સમજાશે નહીં, કોઈ કામ ઉંચુ અને નીચુ હોતુ નથી તેવુ આપણે અનેક વખત કહીએ છીએ, પણ આપણા મનમાં સંડાસ સાફ કરવાનું અને ખાસ કરી આપણે જેનો ઉપયોગ કર્યો છે તેવા સંડાસને સાફ કરવામાં પણ તે કામ આપણને નીચુ લાગે છે, આપણે શબ્દ દ્વારા ભલે આ કામની નીચુ કહેતા નથી પણ તે કામ આપણે કરતા પણ નથી, વર્ષોથી આપણાને પરિવાર દ્વારા મળેલા ખોટા પુરૂષવાદી શિક્ષણનું આ પરિણામ છે, જો આપણે ખરેખર આપણી ઘરની મા-પત્ની અને બહેનને સ્ત્રી તરીકે આદર આપતા તો આપણે તેમનું સંડાસ સાફ કરવાનું કામ પણ ઉપાડી લીધુ હોત, સંડાસ સાફ કરવાથી આપણુ પુરુષત્વ ઘવાતુ નથી, પણ સંડાસ સાફ નહીં કરવાથી આપણુ મનુષ્યત્વ ચોક્કસ ઓછુ થાય છે વિષય જરા વિચિત્ર છે છતાં વિચાર કરજો અને ઘરની સ્ત્રીને પ્રેમ કરતા હોવ તો આવતીકાલની સવારથી કામ શરૂ કરજો.