મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં પતિએ પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સહકર્મીને જાહેરમાં રહેંસી નાંખ્યાની ઘટના સામે આવી છે. સતત ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર જ પતિએ જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા. દરમિયાન ત્યાંથી પસાર થતા કોઈ રાહદારીએ આ ઘટનાનો વિડીયો ઉતારી સોશ્યલ મિડિયા પર મૂકી દેતા આ વીડિયો ભારે વાયરલ થયો છે. 

આ અંગે જાણવા મળતી વિગત મુજબ દિનેશ ચાવડા અને જયેશ ચાવડા નામના બે યુવકો એક જ કારખાનામાં કામ કરતા હતા. દિનેશની પત્ની કોઈ કારણોસર રિસામણે ચાલી ગઈ છે. દરમિયાન જ્યેશે વાતવાતમાં જ પત્ની વિશે ખરાબ ટિપ્પણી કરતા દિનેશ ઉશ્કેરાયો હતો. અને જાહેર રસ્તા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જયેશ ને મોતને ઘાટ ઉતારી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. 

વાયરલ વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોઈક યુવક જાહેરમાં બીજા યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહ્યો છે. આ દરમિયાન ત્યાંથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. પરંતુ કોઈપણ આ બંને યુવકોની વચ્ચે પડવાની હિંમત કરતું નથી. અને બધા લોકો આંખ આડા કાન કરી પોતાના રસ્તે ચાલી જતા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અને હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સામેથી હાજર થનાર દિનેશની સામે હત્યાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જો કે ધોળેદિવસે સરાજાહેર થયેલી હત્યાને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.