મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારને અટકાવવા માટે સરકાર દ્વારા કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તેમજ તેનો સારી રીતે અમલ કરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. પરંતુ કેટલીક મહિલાઓ દ્વારા તેનો ગેરલાભ લેવામાં આવે છે. કાયદેસર કોઈને મરવા માટે મજબૂર કરવા તે ગંભીર ગુનો ગણાય છે અને આ માટે દેશમાં મહિલા-પુરુષ બંને માટે કડક જોગવાઈ છે. પણ આ કાયદો જાણે પુરૂષો માટે જ હોય તેવી એક ઘટના સામે આવી છે.

જેમાં ડો. પતિએ પત્નીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. મૃતકે ઘરની દીવાલ પર પોતે પત્નીથી કંટાળ્યો હોય તેમ 'મે તારી સાથે લગ્ન કરીને મોટી ભૂલ કરી, તુ બહુ ખોટુ બોલશ' નું લખાણ લખાયું હતું. મૃતકના પરિવાર દ્વારા પણ પત્નીના ત્રાસથી જ આપઘાત કરાયો હોવાના અન્ય પુરાવાઓ પણ રજૂ કરાયા હતા. તેમ છતાં એક સપ્તાહ કરતા વધુ સમય બાદ પત્ની અને તેના પરિવાર વિરૂધ્ધ ગુનો પણ નોંધાયો નથી. ત્યારે પતિના ત્રાસથી પત્ની આપઘાત કરે તો પતિ અને પરિવારને સજા જ્યારે પુરૂષ જીવ ટૂંકાવે તો ફરિયાદ પણ ન લેવાય ? તેવા સવાલ સાથે મૃતકના પરિવાર દ્વારા પોલીસ કમિશ્નર પાસે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી

રાજકોટ શહેરમાં ગત 3 તારીખે બી.ટી.સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમજ દીવાલ પર પોતે લગ્ન કરીને મોટી ભૂલ કરી હોવાનું લખાણ લખ્યું હતું. એટલું જ નહીં ડો.વિપુલના પરિવારજનો દ્વારા ડોક્ટર વિપુલની પત્ની અને તેના પરિવારજનો પર માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે કેટલાક પુરાવાઓ પણ રજૂ કરાયા હતા. છતાં બનાવના એક સપ્તાહ બાદ પણ ફરિયાદ નોંધવામાં ન આવતા પરિવારજનોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી ફરિયાદ નોંધવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પોલીસ કમિશ્નરે મૃતકના પરિવારજનોની વાત સાંભળી આક્ષેપ અંગે જરૂરી તપાસ બાદ એકાદ દિવસમાં ફરિયાદ નોંધવાની ખાતરી આપી છે. પરંતુ પ્રશ્ન એ છે કે, જો આ બનાવમાં મૃતક કોઈ મહિલા હોત અને તેના પરિવાર દ્વારા આક્ષેપ કરાયો હોત તો શું ત્યારે પણ પોલીસ બનાવના એક સપ્તાહ બાદ પણ તપાસ કર્યા પછી ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખત? સામાન્ય રીતે આવા સંજોગોમાં તો મહિલા કે તેના પરિવારની ફરિયાદ તાત્કાલિક નોંધાય છે. તેમજ ફરિયાદની સત્યતા ચકાસવાની તસ્દી લીધા વિના પુરૂષ સહિત તેના પરિવારની અટકાયત પણ તુરંત જ કરવામાં આવતી હોય છે.