પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કદાચ તમને આ હેડીંગ વિચિત્ર લાગે, તમને થશે કે માન અપમાનની કોઈ ઉંમર હોય ખરી? માણસ જ્યારે ઉંમરના અલગ અલગ તબ્બકામાંથી પસાર થાય ત્યારે તેને મળતા માન અપમાનની જુદી જુદી અસર તેના માનસ પટ ઉપરથી થતી હોય છે, થોડા સમય પહેલા મેં અમદાવાદના એક સિનિયર જર્નાલીસ્ટને સહજ ભાવે પુછ્યું  સાહેબ કેમ છે, કેવું ચાલે છે કામકાજ.. મારો પ્રશ્ન સાંભળતા તેમને ચહેરા ઉપર એક પ્રકારની ગંભીરતા આવી ગઈ, તેમણે નિસાસો નાખતા કહ્યું આ તો ઘરની જવાબદારીઓ છે એટલે નોકરી કરવી પડે છે, બાકી આ ઉંમરે હવે શેઠ  દ્વારા થતુ અપમાન સહન થતું નથી. આ વેદના ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ સારી રીતે સમજી શકતા હશે.

ખાનગી નોકરી કરતા કર્મચારીઓ, સરકારમાં નાના પદ ઉપર કામ કરતા કર્મચારીઓ, તેમજ ખાસ કરી સફાઈ કામદાર જેવી વ્યકિતઓ નોકરીમાં જોડાય ત્યારથી તેમના ઉપરી અને શેઠ કોઈને કોઈ કારણે તેમનું અપમાન કરે તે રોજની ઘટના બનતી હોય છે, સામાન્ય રીતે પોતાને ત્યાં કામ કરતા કર્મચારીને માન આપવાનું તો બાજુ ઉપર રહ્યું પણ તેમને માનથી બોલાવવાને બદલે મોટા ભાગે તેમને તુકારે જ બોલાવવામાં આવે છે, મેં ખાસ કરી જોયું છે કે, દેશની સૌથી મોટી સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કરનાર આઈએએસ-આઈપીએસ અધિકારીઓ પણ પોતાના પિતાની ઉંમરના કર્મચારીને તુકારે જ વાત કરે છે આ પણ અપમાનનો જ એક પ્રકાર છે.

માણસ યુવાન હોય, ત્યારે તે કોઈને ગણકારતો નથી તેવી તેની ફિતરત હોય છે, જેના કારણે તેના કામની  પ્રસંશા અને તેને ઠપકા સ્વરૂપે થતા અપમાનની પણ તેને ખાસ અસર થતી નથી, પણ જેમ જેમ ઉંમર અને કામનો અનુભવ વધતો જાય છે ત્યારે સામેની ખુરશીમાં બેઠેલા શેઠ અને સાહેબ દ્વારા તને ખબર પડતી નથી, ત્યાંથી શરૂ કરી અપમાનનો દૌર શરૂ થાય છે, ઉંમર અને વર્ષોના અનુભવને કારણે કર્મચારીને જાણતો હોય છે કે સાહેબ મને જે ખબર પડે છે તે તમને પડતી નથી, પણ તમે મારા શેઠ  છો અને તમારા કારણે મારૂ ઘર ચાલે છે એટલે તમારી ભાષામાં તમને જવાબ આપી શકતો નથી, આવું તે મનોમન બબડે છે નોકરીની શરૂઆતના દસ-પંદર વર્ષના ગાળામાં તો કર્મચારીને પોતાનું અપમાન થાય છે તેનો અંદાજ જ આવતો  નથી.

પણ જ્યારે સંતાનો મોટા થવા લાગે છે અને ઘરની જવાબદારીઓ વધતી જાય છે ત્યારે પારિવારીક દબાણ અને શારિરીક મર્યાદાઓની શરૂઆત થાય છે ત્યારે પોતાના કામના સ્થળે થતુ અપમાન અસહ્ય લાગે છે જે કંપની અથવા કામના સ્થળે માણસ પોતાની જીંદગીના અઢી ત્રણ દાયકા પસાર કરી નાખ્યા છે, તે કંપનીને તેની જરૂર હોવા છતાં તેનો માલિક અથવા અધિકારી સતત તેવો અહેસાસ અપાવી રહ્યો છે કે તે હવે તેના માટે પહેલા જેવો કામનો રહ્યો નથી છતાં તે તેને કામ ઉપર રાખી રહ્યો છે. આ પણ અપમાનનો એક પ્રકાર છે, કોઈ પોતાના અસ્તીત્વને નકારી રહ્યું છે તેની પણ વેદના હોય છે. આવુ માત્ર કામના સ્થળે જ થાય છે તેવું નથી પણ પોતાનો પરિવાર ખાસ  કરી કમાતા થયેલા બાળકો પણ જે વ્યવહાર કરે છે તે કોઈ અપમાન કરતા ઓછો હોતો નથી.

જે સંતાનોને આપી શકે તેવી તમામ સગવડ આપવા માટે એક પિતા પોતાના સુખને બાજુ ઉપર મુકે છે. તે જ સંતાન જ્યારે મોટું થાય છે ત્યારે તમને ખબર પડતી નથી તેવા વાકય સાથે જ્યારે વાતની શરૂઆત કરે ત્યારે બાપને બહુ માઠું લાગતું હોય છે, જાણે સંતાન પોતાના પિતા તરીકેની સત્તાને પડકારી રહ્યો હોય તેવી લાગણી પિતાને થાય છે, આમ નોકરી અને ઘરમાં હવે તેની કોઈને પરવા નથી તેવી લાગણી તેને થકવી નાખે છે, આપણે કહીએ છીએ કે વૃધ્ધા અવસ્થા અને બાળપણ એક  સરખુ  હોય છે, તે એકદમ ખરૂ છે, જેમ બાળક પણ નાની નાની બાબતમાં રીસાઈ જાય છે, તેમ વૃધ્ધા અવસ્થાએ પહોંચેલા કર્મચારી અને પિતાને પણ તરત માઠું લાગે છે. સવાલ એટલો  જ  છે કે  તેની જવાબદારી અને તેનો પ્રેમ તેને માઠું લાગ્યું છે તેવું તેને વ્યકત કરવા દેતો નથી. જો આપણા ઘર, આપણી આસપાસ અને આપણી ઓફિસમાં આવી કોઈ વ્યકિત હોય તો આપણે તેમની દરકાર લઈશું કારણ આજે નહીં તો આવતીકાલે આપણે પણ તે જ રસ્તે જવાનું છે તે યાદ રાખીશું.