મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં દરરોજ 300 કરોડ રૂપિયા વધી છે. બર્કલેજ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2018માં આ વાત જણાવાઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 3 લાખ 71 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં સતત સાત વર્ષથી પ્રથમ ક્રમે રહ્યા છે. એક વર્ષમાં તેમની કંપનીના શેરનો ભાવ 45 ટકા વધ્યો છે.

ખાસ વાત એ છે કે ધનવાનોની આ યાદીમાં ક્રમશ: બીજા, ત્રીજા અને ચોથા સ્થાને આવતા એમ.સી. હિન્દજા એન્ડ ફેમિલી (1 લાખ 59 હજાર કરોડ રૂપિયા), એલ.એન. મિત્તલ એન્ડ ફેમિલી (1 લાખ 14 હજાર કરોડ રૂપિયા) અને અજીમ પ્રેમજીની (96 હજાર 100 કરોડ રૂપિયા) સંપત્તિ ભેગી કરીએ તો પણ મુકેશ અંબાણીની સંપત્તિ વધુ છે.  આ યાદીમાં સન ફાર્માસ્યુટિકલ્સના દિલીપ સંઘવી  89 હજાર 700 કરોડ સાથે પાંચમા, કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક 78 હજાર 600 કરોડ સાથે છઠ્ઠા, સેરુમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના સાયરસ એસ. પૂનાવાલા 73 હજાર કરોડ સાથે સાતમા, અદાણી એન્ટરપ્રાઇઝના ગૌતમ અદાણી એન્ડ ફેમિલી 71 હજાર 200 કરોડ સાથે આઠમા અને સાયરસ પલોનજી મિસ્ત્રી 69 હજાર 400 તથા સાપૂર પલોનજી મિસ્ત્રી 69 હજાર 400 કરોડની સંપત્તિ સાથે સંયુક્ત રીતે નવમા ક્રમે છે.

બાર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ભારતના તે ધનવાનોની યાદી છે જેમની નેટવર્થ 1 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. 2018ની આ યાદીમાં ગત વર્ષ કરતા એકત્રત્યાંસ લોકોનો વધારો થયો છે. 2017માં આ યાદીમાં 617 લોકો સામે હતા જે વધીને આ વર્ષે 831 થયા છે. ધનવાનોની સંખ્યા 2017ની સરખામણી 214 વધી છે એટલે કે 214 લોકોની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. આઇએમએફના એપ્રિલ 2018માં જારી આંકડાઓના હવાલેથી તેમાં કહેવામાં આવ્યું છે કે આ લોકોની નેટવર્થ 719 અબજ ડોલર છે એટલે કે ભારતના 2850 અબજર ડોલરના જીડીપીનો એક ચતુર્થાંસ છે.