મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં આખરે તમામ રાજનૈતિક કાવાદાવાઓ બાદ પરિસ્થિતિ એવી છે કે સરકાર કોઈ પણ પક્ષની બની શકે તેમ નથી. તેવા સંજોગોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. કેન્દ્રીય કેબિનેટે તેની મંજુરી પણ આપી દીધી છે પરંતુ હાલ શિવસેનાએ આ સંદર્ભે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે પરંતુ આ વચ્ચે એક જાણવા જેવી વિગત આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ. ભારતના ઈતિહાસમાં અલગ અલગ રાજ્યોમાં અત્યાર સુધી અંદાજીત 125 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી બે વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ચુક્યું છે.

મહારાષ્ટ્રમાં પહેલા પણ બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. હવે ત્રીજી વખત છે જ્યારે તેને લાગુ કરાસે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મંગળવારે તેની ભલામણ પણ કરી દીધી છે.

પહેલીવાર મહારાષ્ટ્રમાં 14 ફેબ્રુઆરી 1980એ રાષ્ટ્રપતિ શાસનને લાગુ કરાયું હતું. તે વખતે શરદ પવાર મુખ્યમંત્રી હતા. તેમની પાસે બહુમત હતો, જોકે રાજનૈતિક સંજોગો બગડતાં વિધાનસભા ભંગ કરી દેવાઈ હતી. તેવામાં 17 ફેબ્રુઆરીતી 8 જુન 1980 સુધી અંદાજીત 112 દિવસ સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું.

બીજી વખત આ જ રીતે 28મી સપ્ટેમ્બર 2014માં પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. તે વખતે રાજ્યની સત્તાધારી પાર્ટી કોંગ્રેસ હતી. કોંગ્રેસે પોતાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સહિત અન્ય બે દળોની સાથેથી અલગ થઈ જઈને વિધાનસભા ભંગ કરી દીધી હતી. તેવામાં 28 સપ્ટેમ્બર 2014થી લઈને 30 ઓક્ટોબર એટલે કે 32 દિવસ સુધી રાજ્યમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.

રાષ્ટ્રપતિ શાસનનો અર્થ છે કે, કોઈ રાજ્યનું નિયંત્રણ ભારતના રાષ્ટ્રપતિ પાસે જતું રહે. પરંતુ તંત્રની દ્રષ્ટીએ કેન્દ્ર સરકાર તેના માટે રાજ્યના રાજ્યપાલને કાર્યકારી અધિકાર આપે છે. સંવિધાનના અનુચ્છેદ 352, 356 અને 365માં રાષ્ટ્રપતિ શાસનથી જોડાયેલી જોગવાઈઓ અપાઈ છે.

અનુચ્છેદ 356 અનુસાર રાષટ્રપતિ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે જો તે એ વાતથી સંતુષ્ટ થઈ જાય કે રાજ્ય સરકાર સંવિધાન મુજબ કામ નથી કરી રહી તો. અનુચ્છેદ 365 અનુસાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા સંવિધાનિક નિર્દેશોનું પાલન નથી કરતી તો તે સંજોગોમાં પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાઈ શકે છે. આખરે અનુચ્છેદ 352 કહે છે કે આર્થિક ઈમર્જન્સીની સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાઈ શકે છે. ( આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને કેન્દ્રીય કેબિનેટની મંજુરી, સુપ્રીમ કોર્ટ પહોંચી શિવસેના)