પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પોલીસ અધિકારીઓ અને નેતાઓના ઘર્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નેતાઓનું સ્વમાન જળવાય  તે જરૂરી છે, પરંતુ પોતાના અંગત સ્વાર્થ અથવા મીથ્યા અહમને કારણે પોલીસ અધિકારીઓને કનડવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ વધી રહી છે, અગાઉ મહેસાણા તાલુકાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર જયદીપ બારોટે કોર્ટમાંથી નીકળેલા વોરંટનો અમલ કરતા ભાજપી નેતાઓને ખરાબ લાગ્યુ, જેના કારણે તેમની બદલી આઈબીમાં કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટના પોલીસ ઈન્સપેકટર સોનારાએ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન  કોર્પોરેશનના અધિકારીઓ સાથે બાખડી રહેલા ભાજપી નેતાને પાઠ ભણાવ્યો તો તેમની બદલી પણ આઈબીમાં થઈ હવે ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ઉમરેઠના સબઈન્સપેકટર જે બી વનારે કોઈ પણ કારણ વગર કોંગ્રેસ નેતાની અટકાયત કરવાની ના પાડતા તેમને પણ આઈબીમાં મુકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં ઉમરેઠ તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. ભાજપના જ પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાય તેવી શકયતા હતી, પરંતુ પાતળી બહુમતી હોવાને કારણે ભાજપને ડર હતો કદાચ સત્તા કોંગ્રેસ તરફ સરકી જશે, જેના કારણે ઉમરેઠના ભાજપ શહેર પ્રમુખ સુજલ શાહે ઉમરેઠના પીએસઆઈ જે બી વનારે બોલાવી સૂચના આપી કે, કોંગ્રેસના અરવિંદ ઠાકોરને કોઈ પણ કારણસર અટકાયતી પગલા હેઠળ પકડી લો. પોલીસ કોંગ્રેસના એક સભ્યની અટકાયત કરે તો ભાજપને સત્તા જવાનો ડર હતો તે જતો રહે કારણ પોલીસ અટકાયત હેઠળ રહેલા અરવિંદ ઠાકોર મત આપવા જઈ શકે નહીં.

પીએસઆઈ વનારે અરવિંદ ઠાકોરની કારણ વગર અટકાયત ન થઈ શકે તેવું ભાજપના પ્રમુખ સુજલ શાહને કહેતા તેઓ નારાજ થઈ ગયા હતા. જો કે ત્યાર બાદ ચૂંટણી થઈ અને ભાજપને જ સત્તા મળી પરંતુ પોલીસ અધિકારીઓ અમને ગાંઠતા નથી તેવી ફરિયાદ સચિવાલય સુધી પહોંચી હતી અને પછી તરત પીએસઆઈ વનારને ખોટુ નહીં કરવાના ઈનામ પેટે આઈબીમાં મુકી દેવામાં આવ્યા હતા.