દેવલ જાદવ / જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): છેલ્લા અમુક દિવસોથી અમદાવાદ સિવિલ કોવીડ હોસ્પિટલની બહાર ૧૦૮ એમ્બ્યુલન્સની લાઈન લાગી હોય તેવા કેટલાક વિડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તંત્રની ખામીઓ બતાવવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ આવી કપરી પિસ્થિતિમાં ૧૦૮ના કર્મચારીઓને કેવી હાલાકી ભોગવવી પડી રહી છે તે અંગે કોઈ વાત કરતું નથી. ૧૨ કલાકની ડ્યૂટીના બદલે લાઈનમાં ઊભા રેહવાને કારણે તેમને પણ ૧૪ થી ૧૫ કલાક ડ્યુટી કરવી પડી રહી છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ રોજ ગંભીર થતી જઈ રહી છે. એવામાં દરેક વ્યક્તિ ૧૦૮ ને કોલ કરીને હોસ્પિટલ જવાનો આગ્રહ રાખે છે. એક એમ્બ્યુલન્સ રોજના ૩ થી ૪ કોલ સંભાળે છે.

૨૪ કલાક પૂરી નિષ્ઠાથી કામ કરતા ૧૦૮ના કર્મચારીઓને કોરોનાની વકરતી જતી સ્થિતના કારણે ઘણી હાલાકી ભોગવવી પડે છે. તેઓ પોતાની ફરજ રૂપે દર્દીઓને તેમના ઘરેથી હોસ્પિટલ સુધી તો જલદી થી જલદી પોહચાડી દે છે પરંતુ હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો લાગે છે. એક એમ્બ્યુલન્સને ૩ થી ૪ કલાક રાહ જોવી પડે છે દર્દીને અંદર લઇ જવા માટે.


 

 

 

 

 

કોરોના જેવી બીમારીમાં જ્યારે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતું હોય તેવા સમયે એમ્બ્યુલન્સની આ કતારોમાં દરેક ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના ૨ સિલેન્ડર રાખવામાં આવે છે. અને ઓક્સિજન બોટલનો એક્સ્ટ્રા સ્ટોક પણ ૧૦૮ના ઇન્ચાર્જ ઓફિસર પાસે હોય જ છે. જેથી કોઈ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખૂટે તો તેને બદલી શકાય. જેથી કોઈ દર્દીને તકલીફ ન પડે. ૧૦૮માં કામ કરતા કર્મચારીઓને મેડિકલ તાલીમ આપવામાં આવી હોય છે. જેથી કોઈ આપાતકાલીન પરિસ્થિતિમાં તેમણે દર્દીને સંભાળી શકે. છતાં જો દર્દીની પરિસ્થિતિ વધારે ખરાબ થાય તો તેમના કન્ટ્રોલરૂમમાં એક ડોક્ટર ૨૪ કલાક હાજર હોય છે તેમની સલાહથી તેમણે દર્દીને સારવાર આપે છે.


 

 

 

 

 

૧૦૮ના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જ્યારે આવી રીતે લાઈનમાં ઊભા રેહવુ પડે છે ત્યારે અમે દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેની પૂરી તકેદારી રાખીએ છે. દર્દીનું ઓક્સિજન લેવલ થોડી થોડી વારે ચેક કરતા રહીએ છે. દર્દીને એમ્બ્યુલન્સની અંદર લવ્યાના તરત બાદ જ અમે તેમને ઓક્સિજન ચાલુ કરી દઈએ છે. અમારી પાસે એક એમ્બ્યુલન્સમાં ૧૬ કલાક ચાલે તેટલો ઓક્સિજન હોય જ છે. જ્યારે કોઈ ડાયાબિટીસના દર્દીને કોરોના થાય અને એમ્બ્યુલન્સમાં લઈને આવવામાં આવે ત્યારે દર્દીના સુગર લેવલનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ડોકટરની સલાહ લઈને તેમની યોગ્ય સારવાર કરવામાં આવે છે.

કોરોના મહામારીના આ સમયમાં જયારે બધી બાજુથી નકારાત્મક સમાચારો જ મળી રહ્યા છે ત્યારે આવા સમયે ૧૦૮ના કર્મચારીઓના આવા માનવતા ભર્યા કામની સરાહના કરવામાં આવે છે. આ સમયે જ્યારે પરિવારજનો જ કોરોનાના દર્દીઓની પાસે જતા ડરતા હોય છે ત્યારે આ કર્મચારીઓ તે દર્દીઓને માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડવા જ નહીં પણ એમ્બ્યુલન્સની અંદર કતારમાં ઊભા હોય ત્યારે પણ તેમની સાથે રહીને પોતાની ચિંતા કર્યા વગર દર્દીઓની સારવાર કરે છે જેની દરેક લોકોએ નોંધ લેવી જોઈએ. જ્યારે ચારેય તરફ નકારાત્મકતા પ્રસરી રહી છે ત્યારે અમુક કર્મચારીઓ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરી રહ્યા છે.