મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સામાન્ય રીતે શાકભાજી 50-60 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વધારે હોય તો આપણે રોષ વ્યક્ત કરતાં હોઈએ છીએ. પણ દુનિયામાં એવું પણ શાક છે જેની કિંમત 1000 યુરો પ્રતિ કિલો એટલે કે, ભારતીય ચલણ મુજબ અધધ! રૂપિયા 82,000 હા, તમે બરાબર જ વાચ્યું છે. ખરેખર બ્યાસી હજાર જ થાય છે. એની કિંમતને કારણે તે બજાર કે સ્ટોરમાં જવલ્લે જ જોવા મળે છે.ચાલો એ શાક વિષે વધુ જાણીએ.

આ શાકનું નામ છે “હોપ શૂટ્સ”. આનું જે ફૂલ હોય તેને "હોપ કોન્સ" કહેવાય છે. હોપ કોન્સ આમ તો બીયર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે તેની ડાંડીને ખાવામાં શાક તરીકે ઉપયોગમાં લેવાય છે.
હોપ શૂટ્સમાં અનેક આયુર્વેદિક ગુણ રહેલા છે. એનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે થાય છે. એ દાંતના દુઃખાવા અને દાંતના અન્ય રોગ માટે ખૂબજ ઉપયોગી છે. આ સિવાય તે ટીબી જેવી ગંભીર બીમારીના ઇલાજમાં પણ ઉપયોગમાં લેવાય છે. તે એક એન્ટિબાયોટિક તરીકે પણ ખૂબ જ અસરકારક છે. તેમાં વિટામિન બી, સી અને ડી પણ પ્રચૂર માત્રામાં રહેલું હોય છે.

હોપ શૂટ્સ સ્વાદમાં અત્યંત કડવું હોય છે. છતાં ઘણા લોકો એને કાચું પણ ખાતા હોય છે. એની ડાંડીઓને શાક સિવાય સલાડ તરીકે પણ ખાવામાં આવે છે. એનું અથાણું પણ બને છે. જે ભોજનમાં સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક હોય છે.

ઘણી સદીઓ પહેલા જ હોપ શૂટ્સના આયુર્વેદિક ગુણો સામે આવ્યા હતા. લગભગ ઇ.સ. 800ની આસપાસ લોકો આ શાકને બીયરમાં મિક્સ કરીને પીતા હતા. એ જ રીતે આજે પણ ઘણી જગ્યાએ પીવામાં આવે છે.

સૌ પ્રથમ આની ખેતી ઉત્તરજર્મનીમાં થતી હતી. ધીરે ધીરે વિશ્વભરમાં આનો ફેલાવો થયો. આ શાકના આયુર્વેદિક ગુણો જોઈને ઇ.સ. 1710માં ઇંગ્લેન્ડ સરકારે તેના પર ટેક્સ લેવાનું શરૂ કર્યું. અને બીયર બાનાવાવામાં એનો ઉપયોગ અનિવાર્ય કરી દીધો. જેથી બીયરનો સ્વાદ અને ગુણવત્તા સારી બને.

માર્ચથી જૂન સુધીનો સમયગાળો હોપ શૂટ્સની ખેતી માટે ઉત્તમ માનવામાં આવે છે. એના છોડ સૂર્યપ્રકાશ મળવાથી જલ્દી વિકાસ પામે છે. એક જાણકારી મૂજબ એની ડાંડીઓ અનુકૂળ વાતાવરણમાં એક જ દિવસમાં 6 ઇંચ જેટલી વધે છે. આ દાંડીની બીજી વિશેષતા એ છે કે શરૂઆતમાં એનો રંગ જાંબલી હોય છે જે ધીરે ધીરે લીલા રંગની બને છે.

ભારતમાં હિમાચલ પ્રદેશમાં આના જેવું જ એક શાક ઉગાડવામાં આવે છે. જેને ગુચ્છી અથવા સ્પંજ મશરૂમ કહેવામાં આવે છે.
(Edited by Milan Thakkar)