મેરાન્યૂઝ નેટવર્ક,અમરેલી: એક પરણિત શખ્સે પોતાની પત્નીનો ઉપયોગ કરી બાબરાના યુવકને ફસાવી અને પાંચ લાખની માંગણી કરતા યુવકે આબરૂ જવાની બીકે થોડા થોડા સમયે 82 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત વધુ રકમની માંગણી કરી જાનથી મારી નાખવા તેમજ તેનુ અપહરણ કરવાની ધમકી આપતા અજય પ્રવિણભાઇ દોમડીયાના નામના યુવકે આખરે બાબરા પોલીસ મથકમા દોડી જઇ ફરિયાદ આપતા મહિલા પીએસઆઇ ગીતાબેન આહિરે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અજયભાઈ પ્રવિણભાઈ દોમડીયાએ ગત મોડી સાંજે બાબરા પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ ચારેક માસ પહેલા તેમના મોબાઈલમાં યુવતી દ્વારા ફોન કરી પોતાને ઓળખી જવા જેવી યુવકને રસ ઉપજાવતી વાતો કરી અને બીજા દિવસે પણ વાતો કરી પોતાની ઓળખ વૈશાલી નામથી આપી હતી. બાદમાં યુવકે ફોન કરવાની ના પાડવા છતા પરણિત યુવતી દ્વારા અવારનવાર ફોન કરવામાં આવતો હતો.

એકવાર અચાનક યુવતિએ તેના પતિ તરૂણને ફોન આપી દેતા યુવતીનો પતિ ધમકાવવા લાગેલો અને બ્લેક મેઈલ કરવાના ઈરાદે ફોન રેકોર્ડ કર્યાનું જણાવી પાંચ લાખની માંગણી કરી હતી. સાથે જ પોતે જૂનાગઢ રહેતો હોવાનું કહ્યું હતું. આબરૂ જવાની બીકે ભયભીત બનેલા યુવકે પ્રથમ આંગડીયા સર્વિસ મારફતે 20 હજાર બાદમા 12 હજાર અને બાબરા રૂબરૂ મળવા આવતા 18 હજાર, 5 હજાર એમ કુલ 82 હજાર આપ્યા હતા. આ ઉપરાંત વધુ નાણાની માંગણી કરતા યુવકે પોલીસને જાણ કરી હતી.