મેરાન્યૂઝ નેટનર્ક.અમદાવાદ:  હની ટ્રેપના કેસમાં શહેર મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)ના પીઆઈ ગીતાબાનુ પઠાણની ધરપકડ કર્યા બાદ હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચે હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટ આ કેસમાં હની ટ્રેપમાં ભોગ બનેલા લોકોની વિરુદ્ધ કાવતરાના ભાગરૂપે કરવામાં આવતી અરજીઓ સ્વીકારતી હતી. અન્ય આરોપી અમરબેન સોલંકીની સાથે મળીને સામેવાળાને પોલીસ સ્ટેશનમાં બોલાવીને જો સમાધાન નહીં કરો તો બદનામ થઈ જશો તેમ કહીને પૈસા આપીને સમાધાન કરી લેવા દબાણ કરતાં હતાં.

જાણો શું છે હનીટ્રેપનો સમગ્ર કેસ

કોઈ વ્યક્તિને મહિલા સામેથી સંબંધો વધારવા લાગે તો બીજુ કોઈ ગણિત મગજમાં બેસતું જ નથી અને તે મહિલાના ફેલાવેલા ઝાળમાં ફસાતો જાય છે અને બાદમાં આર્થીક રીતે પાયમાલ થઈ જાય તેવી પણ સ્થિતિ આવી જતી હોય છે. આવી ઝાળ ઊભી કરનારી ઘણી ગેંગ જોઈ હશે અને જેમાંથી ઘણા જેલના સળિયા પાછળ છે. જોકે આ કાળી કમાણીનો એક સારો ધંધો છે અને આપણે તો પોતે જ પોલીસ છીએ તેથી ધંધો જામશે તેવા વહેમમાં અમદાવાદના જ એક મહિલા પીઆઈ (પોલીસ ઈન્સપેક્ટર)એ હનીટ્રેપ કરતી લોકોને મદદ કરી અને અત્યાર સુધી ચાર લોકોને લૂંટી તેમની પાસેથી 26 લાખ કરતાં વધુની રકમ પડાવી હતી.

Advertisement


 

 

 

 

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક તત્કાલિન મહિલા પૂર્વ પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે જેમાં તે હની ટ્રેપ કરતા લોકોને મદદ કરતા હોવાનો આરોપ છે. આ ગીતા પઠાણ અગાઉ અમદાવાદના મહિલા પોલીસ મથકના પીઆઈ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમણે બનાવેલી આ લોકોમાં એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ પણ જોડાયા જેમને પણ હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. આ લોકો વેપારીઓને ટાર્ગેટ કરતી. કેસ થતાં પીઆઈ પઠાણ ફરાર થયા હતા. આનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત છે.

આ હની ટ્રેપ કરતા લોકો સોશિયલ મીડિયા દ્વારા લોકોને ફસાવતી અને યુવતીઓ તેમને હોટલમાં લઈ જતી જ્યાં તે શખ્સ સાથે શરીર સંબંધ બાંધી તેની સામે યુવતીઓ બળાત્કારની અરજી આ મહિલા પીઆઈના તાબાના પોલીસ મથકમાં કરતી હતી. આગળનું કામ પોલીસ વાળી ગેંગ કરતી. પહેલા મીઠી મીઠી વાતો સાથે ટાર્ગેટને ફોન કરવામાં આવતો. ટાર્ગેટ એવી રીતે નક્કી કરાતો કે જે નાણાકીય રીતે સ્ટ્રોંગ હોય. અત્યાર સુધી ચાર વ્યક્તિને આ લોકો લૂંટી ચુકી છે જેમાં 26 લાખ રૂપિયા પડાવાયા હતા જેના અડધા અડધા કરવામાં આવતા હતા. બળાત્કારની પોલીસ સ્ટેશનમાં અરજીનો ભય બતાવી રૂપિયા ખંખેરાતા હતા.

જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો. અરજી થયા બાદ લોકોના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીને બળાત્કારની ફરિયાદ અને તેની સજાઓ ગણાવી ડરાવીને રૂપિયા ખંખેરતા હતા.

Advertisement


 

 

 

 

 

આ પૈકીના જ એક વેપારીએ હનીટ્રેપની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી. જેની તપાસ બાદ જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપીન પરમાર, ઉન્નતી ઉર્ફે રાધીકા રાજપુત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સોની પુછપરછમાં પીઆઈ ગીતા પઠાણનું નામ ખુલ્યું છે જે બાદ ક્રાઈમ બ્રાન્ચે તેની પણ ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓમાં હનીટ્રેપની રમત રમાવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ એ જ ગીતા પઠાણ છે જેની સામે અગાઉ રાજકોટમાં એસીબી દ્વારા કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી. તે 2009ની પીએસઆઈ બેચના છે, તે અગાઉ પોલીસ કર્મચારી પઠાણ સાથે પ્રેમ લગ્ન કરતાં તેઓ ગીતા પઠાણ થયા હતા.