મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી હવે જ્યારે આખરી તબક્કામાં પહોંચી છે ત્યારે પોલીસ અને ગુજરાત સરકારના દારુ બંધીના કડક દાવા વચ્ચે અરવલ્લી જિલ્લાના એક પીએસઆઈ દ્વારા દારુ ભરેલી ટ્રક બાયડમાં આવેલી વૃંદાવન હોટલ પર મોકલવામાં આવી હતી પણ ટ્રક આવી તે સાથે જ સ્થાનીકોને જાણકારી મળતાં તેમણે જનતા રેડ કરી હતી અને દારુ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. દારુ ભરેલી ટ્રકના ડ્રાઈવરએ લોકો સમક્ષ નિવેદન આપ્યું હતું કે, ઈસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તબિયાર્ડ અને રાઈટરે ટ્રક મંગાવી હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બાયડની ચૂંટણીમાં પ્રચાર કાર્ય અર્થે આવતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા બાયડમાં રોકાય ત્યારે આ જ વૃંદાવન હોટલમાં રોકાતા હતા.

2019ની લોકસભા ચૂંટણીમાં પણ આ જ પ્રકારનો વિવાદ બહાર આવ્યો હતો જેમાં ગાંધીનગર પોલીસ દ્વારા રાજસ્થાનથી દારૂની ટ્રકો મંગાવાઈ હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ મામલે રાજસ્થાન પોલીસે તપાસ પણ કરી હતી. જોકે તે મુદ્દે આગળ કોઈ કાર્યવાહી થઈ ન હતી. હવે આવા જ મુદ્દે અરવલ્લી પોલીસ વિવાદમાં સપડાઈ છે. આ મામલે પોલીસનો મત જાણવા અરવલ્લીના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ મયુર પાટીલનો તેમના સરકારી નંબર પર સંપર્ક કરવા છતાં તેમનો ફોન નો રિપ્લાય થયો હતો અને ટેક્સ્ટ મેસેજ મોકલ્યા છતાં તેમણે તેનો પણ જવાબ આપ્યો ન હતો.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મતદારોને વિવિધ લાલચ પ્રલોભનો અપાતા હોય છે જેમાં દારુનું ચલણ મોટા પ્રમાણમાં છે. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડી હવે ભાજપમાંથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ માટે આ બેઠક અંકે કરવી તે આબરૂં સાચવવા સમાન છે. શનિવારની રાત્રે બાયડની વૃંદાવન હોટલ પર એક ટ્રક આવીને રોકાઈ, તેની સાથે જ આસપાસના સ્થાનિકો એકત્ર થયા અને તેમણે ટ્રકની તલાશી લીધી. જેમાંથી દારુની 4 હજાર બોટલો મળી આવી હતી. સ્થાનીકોએ ટ્રક ડ્રાઈવરનો વીડિયો ઉતાર્યો અને તેની પુછપરછ કરી હતી. જેમાં તેણે કહ્યું કે, ઈસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તબિયાર્ડ આ ટ્રક અહીં લઈ આવવાનું કહ્યું હતું અને તે ટ્રક સાથે તેમણે પોતાના રાઈટરને પણ મોકલ્યો હતો. સ્થાનીકોએ પોલીસને જાણ કરતાં બાયડ પોલીસે બે લાખ રૂપિયાનો દારુ પકડાયો હોવાની ફરિયાદ નોંધી પણ આખા મામલામાં પીએસઆઈ અને રાઈટરની સંડોવણી હોવાનો કોઈ ઉલ્લેખ ફરિયાદમાં નથી. સ્વાભાવીક છે કે જો પોલીસ જ દારુ લાવી હોય તો કોંગ્રેસના ઉમેદવારો માટે દારુ લાવવાની હિંમત પોલીસ કરે નહીં. (જુઓ વીડિયો)...