મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પર લોકોને સંબોધિત કર્યા હતા. શાહે આ વખતે કશ્મીરની વાત કરી હતી. 370ની જોગવાઈઓને હટાવવાને લઈને થતી અફવાઓ અંગે પણ તેમણે વાત કરી હતી. કાશ્મીરને લઈને ક્યારેય સત્ય બહાર લવાયું નથી તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે અત્યાર સુધી જ્યારે 41800 લોકો માર્યા ગયા હતા ત્યારે માનવાધિકારની વાત કરનારા જણાવે કે આ માર્યા ગયેલા લોકોની વિધવા અને તેમના બાળકોની ક્યારેય તમે ચિંતા કરી ખરી. ઘણી બધી ગેરસમજણ અનુચ્છેદ 370 અને કાશ્મીર વિશે આજે પણ ફેલાવાયેલી છે તેની સ્પષ્ટતા જરૂરી છે.

શાહે કહ્યું કે, જેટલું સ્પષ્ટ કાશ્મીરની જનતાના સામે હોવું જરૂરી છે તેટલું જ સ્પષ્ટ ભારતની જનતામાં પણ હોવું જરૂરી છે. તેમણે કહ્યું કે, સૌથી પહેલા જ્યારે દેશ આઝાદ થાય છે તો તેની સામે સુરક્ષાનો પ્રશ્ન, સંવિધાન બનાવવાનો પ્રશ્ન એવા ઘણા પ્રકારના પ્રશ્નો હોય છે પણ આપણી સામે 630 રજવાડાને એક કરવાનો પ્રશ્ન આવ્યો હતો.

સરદાર પટેલને પ્રણામ કરતાં તેમણે કહ્યું કે, 630 અલગ અલગ રાજ્ય એક ખંડના અંદર સમાહિત કરવા અને અખંડ ભારત બનાવવું એ ઘણો મોટો પડકાર હતો. આજે હું આદર સાથે દેશના પ્રથમ ગૃહમંત્રી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પ્રણામ કરતાં આ વાત કહેવા માગું છું કે તે ન હોત તો આ કામ ક્યારેય ન થયું હોત.

તેમણે કહ્યું કે, સરદાર પટેલની જ દ્રઢતાનું પરિણામ હતું કે 630 રજવાડાઓને એક કરવામાં કોઈ મુશકેલી ન આવી પણ જમ્મૂ-કાશ્મીરને અતૂટ રુપે અખંડ રૂપથી એક કરવામાં 5 ઓગસ્ટ 2019 સુધીનો સમય લાગી ગયો.

શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ અનુચ્છેદ 370ને હટાવી દીધો છે. હવે પાંચથી સાત વર્ષમાં જમ્મુ કાશ્મીર દેશનું સૌથી વિકસીત રાજ્ય બની જશે. સાથે અહીં ટૂરિઝમની ભારે ટૂરિઝમની સંભાવનાઓ છે. દુનિયાભરમાં સૌથી વધારે કુદરતી સૌદર્ય ઈશ્વરે જો કોઈ એક ભૂમિ પર આપ્યું છે તો તે જમ્મુ કાશ્મીરની ભૂમિ છે.

તેમણે કહ્યું કે, કાશ્મીરની જનતા પર ગોળીબાર નહીં કરાય, પણ જો કોઈ આતંકવાદ કરશે તો તેના પર જરૂર ગોળીબાર કરાશે. ભલે પછી તે કાશ્મીર હોય કે દેશનો કોઈ પણ ખુણો હોય. જમ્મુ કાશ્મીર એવું રાજ્ય હતું કે, જ્યાં એન્ટી કરપ્શન બ્યૂરો ન હતું. હવે તેને 5 ઓગસ્ટ 2019ના રોજ શરુ કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં 40 હજાર ગ્રામ પ્રધાનો વિકાસ માટે કામ કરી રહ્યાં છે.