મેરાન્યૂઝ નેટવર્ક.સુરત:ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનાં અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ઓલપાડના ડભારી દરિયાકાંઠેથી હોમગાર્ડના જવાનો દારૂની મસ્તીમાં ટૂન થઈને બીચ પર પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. દારૂ પીને હોમગાર્ડના જવાનો ગીતો લલકારી રહ્યાં છે. અને વાયરલ થયેલા વીડિયોમાં હોમગાર્ડનો સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ દેખાઈ રહ્યો છે.

પ્રાથમિક જાણકારી મુજબ, વીડિયો 26 જાન્યુઆરી નો હોવાનું કહેવાય છે. વીડિયોમાં 6 થી 7 યુવકો દારૂની પાર્ટી માણતા દેખાઈ રહ્યાં છે. યુવકો બીચ પર હંગામો કરતા દેખાઈ રહ્યાં છે. પહેલા તો દારૂની બોટલ અને બાઈટિંગ નજરે પડે છે. તો બાદમાં યુવકો માથા પર દારૂની બોટલ મૂકીને નાચવા લાગે છે. ફિલ્મો ગીતો વગાડીને યુવકોએ ઠુમકા માર્યા હતા. દરિયા કિનારે નાચગાન કરી રહેલા આ યુવકો નશામાં ચૂર થયેલા દેખાઈ રહ્યાં છે.


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે સુરક્ષાનું ધ્યાન રાખનારા હોમગાર્ડના જવાનો જ આ રીતે ખુલ્લેઆમ દારૂ પીતા દેખાય તો શરમજનક વાત કહેવાય. આવા જવાનો પર કાર્યવાહી ક્યારે થશે ? અને ક્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાગળમાંથી નીકળીને બહાર આવશે અને તેનીન કડક અમલવારી કરાશે ? જેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.