એટલાન્ટા, અમેરિકા (દિવ્યકાંત ભટ્ટ તરફથી): અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીના પ્રાંગણમાં હોળી પર્વ અને રંગ બરસે ઉત્સવની આનંદ-ઉલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરાઇ હતી. આ બંને કાર્યક્રમોનો હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓ સહ ભારતીય-ગુજરાતી સમુદાયે મનભરીને આનંદ લૂંટ્યો હતો. રંગ બરસે ઉત્સવમાં ટી.વી.કલાકાર કરિશ્મા તન્નાએ ફિલ્મી સોંગ પર ડાન્સ પર્ફોમ કરી આકર્ષણ જમાવ્યું હતું. રંગ બરસે ઉત્સવમાં એટલાન્ટા અને તેની આસપાસના સિટીમાંથી અંદાજે 4000 જેટલાં ભારતીય સમુદાયે લ્હાવો લીધો હતો.

અવનવાં કાર્યક્રમોના આયોજન થકી એટલાન્ટાના ભારતીય સમુદાયમાં ગોકુલધામ હવેલી આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બની છે. વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણ‌વાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ હવેલીમાં આકર્ષણરૂપ આયોજન અંતર્ગત બુધવારે હોળી પર્વ અને શનિવારે રંગ બરસે ઉત્સવ ઉજવાયો હતો. 

બુધવારે સાંજે શાસ્ત્રી ધવલકુમારે હોળી પ‌ર્વનો મહિમા સમજાવી મુખ્ય યજમાન ડૉ. મુકુંદ રાજા -ડૉ. મૃદુલા રાજા અને ગોકુલધામના ચેરમેન અશોક પટેલના કરકમલોથી હોલીકા પૂજન સહઃ હોલીકા દહન કરાવ્યું હતું. આ પ્રસંગે ગોકુલધામના એક્ઝિક્યૂટિવ સેક્રેટરી તેજસ પટવા કમિટી મેમ્બર્સ હેતલ શાહ, કિન્તુ શાહ, ગિરીશ શાહ અને પરિમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હોલીકા દહન બાદ વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ હોળી પૂજન કરી રંગોની છોળો ઉડાડી રંગ પર્વ મનાવ્યું હતું.

શનિવારે ગોકુલધામમાં હોળી પ‌ર્વ અંતર્ગત ‘રંગ બરસે’ઉત્સવ યોજાયો હતો. સવારે 11 વાગ્યાથી આરંભાયેલા રંગ બરસે ઉત્સવમાં ટી.વી.કલાકાર કરિશ્મા તન્ના તેમજ વિવિધ ડાન્સ ગૃપના કલાકારોએ હોળી સોંગ તેમજ ફિલ્મી સોંગ પર ડાન્સ પર્ફોમ કરી આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં એટલાન્ટા અને તેની આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભારતીય સમુદાયે રંગબેરંગી હર્બલ કલર્સ સાથે એકબીજાને કલર્સ છાંટી રંગબરસે ઉત્સવનો આનંદ લૂંટ્યો હતો. જ્યારે બાળકોએ વોટર રાઇડ્સની મજા માણી હતી.

રંગબરસે ઉત્સવમાં ગોકુલધામની કિચન ટીમના ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, નરપત મહારાજ, રંજનબહેન સિરોયા, સોહિનીબહેન-પ્રકાશ પટેલ અને ધીરુભાઇ પટેલ દ્વારા તૈયાર કરાયેલી ખાણીપીણીની સ્વાદિષ્ટ વાનગીઓ-વ્યંજનો આરોગી સ્વાદ રસિકો વાહવાહ પોકારી ઉઠ્યા હતા. કિચન ટીમના સ્વયંસેવકો અશ્વિન પટેલ, નિકશન પટેલ, અલકેશ શાહ, પીયૂષ પટેલ, સતિષ ઘીવાલા, રજનીભાઇ શેઠ અને કિરીટભાઇ શાહે રંગ બરસે ઉત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.