મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કેન્દ્રના પુર્વ ગૃહ અને નાણા મંત્રી પી. ચિદમ્બરમ્ને પકડવા માટે છેલ્લાં ત્રણ દિવસથી સીબીઆઈ અને ઈડીનો હાઈવોલ્ટેજ  ડ્રામા ચાલી રહ્યો હતો અને બુધવારની રાત્રે જે પ્રકારે પી ચિદમ્બરમ્ કોંગ્રેસ ઓફિસમાં નાટકીય રીતે હાજર થયા તેવું જ 2010માં ગુજરાતમાં પણ થયું હતું. ગુજરાતના બહુ ચર્ચીત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશથી તપાસ કરી રહેલી સીબીઆઈ દ્વારા 2010માં ગુજરાતના ગૃહ મંત્રી અમિત શાહને સમન્સ મોકલી હાજર થવા ફરમાન કરતા તેઓ પણ ચિદમ્બરમની જેમ ભુગર્ભમાં ઉતરી ગયા હતા અને દિવસો પછી અચાનક અમદાવાદની સ્થિત ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે હાજર થયા હતા, જ્યાં તેમણે પણ ચિદમ્બરમની જેમ તેઓ આ મામલે નિદોર્ષ હોવાનું જણાવી સીબીઆઈ રાજકીય ઈશારે તેમને સંડોવી રહી હોવાનો આરોપ મુકયો હતો, અત્રે ઉલ્લેખનિય છે કે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમ્ હતા અને આજે જ્યારે અમિત શાહ ગૃહમંત્રી છે.

2005માં રાજસ્થાનના ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખને ગુજરાત પોલીસે આતંકી કહી ઠાર માર્યો હતો, ત્યાર બાદ તેની પત્ની કૌસરની હત્યા કરી તેને સળગાવી દીધી હતી, 2006માં સોહરાબુદ્દીનના સાથી તુલસી પ્રજાપતિને પણ કથીત અથડામણમાં મારી નાખ્યો હતો, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા આ મામલાની તપાસ ગુજરાત સીઆઈડી ક્રાઈમે કરી હતી, પણ તપાસ અધુરી થઈ છે તેવા કારણોસર સુપ્રીમ કોર્ટે આ તપાસ સીબીઆઈને સોંપી હતી. જેની તપાસ કરવા સીબીઆઈના આઈજીપી કંદાસ્વામી અને એસપી અમિતાભ ઠાકુર ગુજરાત આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ સૌથી પહેલા ગુજરાતના આઈપીએસ અભય ચુડાસમાની ધરપકડ કરી હતી, ગુજરાતમાં એન્કાઉન્ટરનો દૌર શરૂ થયો ત્યારે ગૃહમંત્રી અમિત શાહ હોવાને કારણે સીબીઆઈ આ મામલે તેમની તપાસ કરવા માગતી આથી એસપી અમિતાભ ઠાકુરે અમિત શાહને સીબીઆઈ સામે હાજર થવા સમન્સ મોકલ્યું હતું.

સીબીઆઈ દ્વારા સમન્સ મોકલવામાં આવતા અમિત શાહ પોતાના સરકારી બંગલાને છોડી નિકળી ગયા હતા, તેમને શોધવા માટે સીબીઆઈએ ગાંધીનગરના સરકારી બંગલા ઉપરાંત અમદાવાદના નારણપુરાના બંગલાની પણ તપાસ  કરી હતી. કોઈ પણ રાજ્યના ગૃહમંત્રી ફરાર થઈ જાય તેવી આ પહેલી ઘટના હતી.

જો કે થોડા દિવસ બાદ ભાજપ કાર્યાલય દ્વારા પત્રકારોને સૂચના આપવામાં આવી હતી કે તત્કાલ એક પ્રેસ કોન્ફરન્સ છે અને પત્રકારો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો ત્યાં અમિત શાહ હાજર હતા. પત્રકારોને સંબોધતા અમિત શાહે સ્પષ્ટતા કરી હતી  કે તેઓ ફરાર થયા ન્હોતા પણ વકિલોની સલાહ લેવા માટે ગયા હતા, અમિત શાહે ત્યારે સીબીઆઈ કોંગ્રેસનો પોપટ છે અને સીબીઆઈ એટલે કોંગ્રેસ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન  છે તેવો આરોપ મુકયો હતો. ભાજપ કાર્યાલયથી નિકળી તેઓ સીધા ગાંધીનગર સીબીઆઈ ઓફિસ ગયા હતા જ્યાં તેમને શરણાગતી સ્વીકારી હતી.

સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને ત્યાર બાદ સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. સાબરમતી જેલમાં ત્રણ મહિના રહ્યા પછી ગુજરાત હાઈકોર્ટે તેમને ગુજરાત બહાર રહેલાની શરતે જામીન આપ્યા હતા જેના કારણે અમિત શાહ દિલ્હી જતા રહ્યા હતા આ સમય તેમના અને નરેન્દ્ર મોદીનો સુર્વણકાળ બન્યો જેમાં અમિત શાહે દિલ્હી બેસી કેન્દ્ર સરકાર હસ્તગત કરવાનો સમય ઝડપી લીધો અને પોતાનો પગદંડો જમાવી દીધો હતો. આ બધુ થયુ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમ્ હોવાને કારણે અમિત શાહ માની રહ્યા હતા કે પોતાને પડેલી તકલીફો માટે કદાચ ચિદમ્બરમ્ જ જવાબદાર છે.

દસ વર્ષ પછી હવે સમય બદલાયો, અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી  થયા અને ચિદમ્બરમ સીબીઆઈના આરોપી બન્યા છે.