ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ચાંદીના વાયદા અને સિલવર ઇટીએફ સામે ઇતિહાસમાં ક્યારેય ન જોવાયું હોય તેવું, ચાંદીનું ફિજિકલ પ્રીમિયમ વધી રહ્યું છે. હજુ ગઈ ૩ ફેબ્રુઆરીએ જ આઇશેર સિલ્વર ઇટીએફ (એસેલવી)એ રોકાણકારો માટેના પ્રોસ્પેકસટ્સ દસ્તાવેજમાં સુધારો કરીને ચેતવણી ઉચ્ચારી હતી કે, ફિજિકલ ચાંદીની અછત પ્રવર્તી રહી હોવાથી નવા ઇટીએફ શેર ઇસ્યુ કરવામાં અંકુશ મૂકવાનું જોખમ વધી ગયું છે.

સુધારેલા પ્રોસ્પેક્ટસમાં જણાવાયું છે કે એસએલવી જો ચાંદી કોમેક્સ વાયદાનું અનુસરણ કરતું હશે તો, એસએલવીની તુલનાએ કોમેક્સ ચાંદીના વાયદામાં પણ પ્રીમમિયમ નિર્માણ થશે, જે ચાંદીના ઇટીએફ પર નવું જોખમ ઊભું કરશે. આ સ્થિતિમાં ફિજિકલ ચાંદીનું પ્રીમિયમ વધુ ઊંચે જશે. આ સંયોગમાં ચાંદીની ફિજિકલ, ઈટીએફ અને કોમેક્સ વાયદા બજાર એમ ત્રણે એક બીજાની સ્પર્ધામાં ઉતરશે. આ ઘટના નિર્માણ પામશે તો, ડોલર અને મોનિટરી રિઝર્વ સામે નવા પડકારો ઊભા થતાં જોવા મળશે.

હાલમાં કોમેક્સનો ડેઇલી ઇનવેન્ટરી (સ્ટોક) રિપોર્ટ સૂચવે છે કે ન્યુયોર્ક સ્થિત જેપીમોર્ગનની વૉલેટમાં માન્યતાપ્રાપ્ત ચાંદીનો જથ્થો ૪૭૫૭.૨૮ ટન પડ્યો છે. આમાંની ૩૨૦૯.૨૧ ટન ચાંદી એસએલવીની  માલિકીની છે. આથી કહી શકાય કે જેપીમોર્ગન હેઠળ કોમેક્સની રોજીંદી માન્યતાપ્રાપ્ત શ્રેણીની ચાંદી ઇનવેનટરીઝ તો માત્ર ૧૫૪૮ ટન જ છે, જે એસએલવી નથી. આ એવી ઘટના છે જે સંબંધે રોકાણકારોએ કદી વિચાર્યું પણ નહીં હોય.


 

 

 

 

 

ચાંદી, પ્લેટિનમ અને કોપર જેવી ધાતુ સોના કરતાં વધુ વેગથી વધી રહ્યાનું શક્યતા: એક કારણ અર્થતંત્રના સંયોગમાં આવી રહેલો સળવળાટ છે. સેન્ટિમેન્ટમાં તાજેતરના ફેરફારો એવું સૂચવે છે કે ટૂંકાગાળા માટે ચાંદીના ભાવમાં બેતરફી વધઘટ જળવાઈ રહેશે, પણ લાંબાગાળાનો આંતરપ્રવાહ તેજી સૂચક છે. અત્યારે આપણે અસામાન્ય સ્થિતિમાં જીવી રહ્યા છીએ. જગતની વસતિ સતત વધી રહી છે એ સાથે જ ઔધ્યોગિકરણ પણ તેની સાથે કદમ મિલાવવા અગ્રેસર છે. પરિણામે પરિયાવરણની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, સાથે જ પૃથ્વીની તંદુરસ્તીની ચિંતાઓમાં પણ વૃધ્ધિ થવા લાગી છે.

૨૦૨૦માં ચાંદી ૪૭.૮૯ ટકા, સોનું ૨૫.૧૨ ટકા, પેલેડિયમ ૨૫.૮૯ ટકા અને પ્લેટિનમ ૧૦.૯૨ ટકા વધ્યા હતા. આજના દિવસે ચાંદીમાં ૯૦.૩૫ ટકા ઓળીયા તેજીવાળાના હાથમાં છે, બીજા શબ્દોમાં તેજી:મંદીનો રેશિયો ૯.૩૬:૧નો છે. ગોલ્ડ સિલ્વર રેશિયો ૬૬ની નીચે જઇ શુક્રવારે ૬૫.૨૬ થયો હતો. જો ગોલ્ડ સિલ્વર રેશિયો આથી પણ નીચે જઈ ૬૫ના લેવલે પહોંચશે તો તે ચાંદીને મજબૂત ટેકો પૂરો પાડશે.

જો ડોલર વર્તમાન પ્રમાણે જ મજબૂત રહેશે તો તે તમમાં કીમતી ધાતુને નીચે જવાની ફરજ પાડશે, અત્યારે ચાંદી ૨૭ ડોલરના સપોર્ટ અને ૨૭.૫ ડોલરના રેસિસ્ટન્સ રેન્જમાં રહી છે. તમે જુઓ, અમેરિકન ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ વધી રહ્યું હોવા છતાં ચાંદીના ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા છે. અલબત્ત, આપણે એ વાતને નકારી નહીં શકીએ કે વધતાં અમેરિકન ટ્રેઝરી યીલ્ડ, સોનાચાંદી જ નહીં તમામ બજારો માટે સમસ્યાનું કારણ બન્યા છે.

વધતાં યીલ્ડએ યુએસ એસએન્ડપી ૫૦૦ના ડિવિડન્ડ યીલ્ડના ગણિતને બગાડી નાખ્યું છે, એટલું જ નહીં કોમોડિટીના ભાવને ઉપરતળે તો કર્યા જ છે, સાથે શેરબજાર અને ફોરેક્સબજારને પણ અસ્તવ્યસ્ત કરી નાખી છે. સિલ્વર વિરુધ્ધ ફુગાવાનો ચાર્ટ તો ત્યાં સુધી કહે છે કે ફુગાવાદર ઊંચે જશે, તેની સાથે ચાંદીના ભાવને પણ કદમ મિલાવવા પડશે. એક મહત્વનું કારણ છે, ઔધ્યોગિક ધાતુ તરીકે ચાંદી પરનું ભારણ સતત વધી રહ્યું છે. આથી જ નવેમ્બર ૨૦૨૦થી સોના કરતાં ચાંદીના ભાવ વધુ વેગથી વધ્યા છે.

(અસ્વીકાર સૂચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)