બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજ્યસભાની ખાલી પડતી પંચાવન બેઠકો માટેની ચૂંટણી આ મહિને યોજાવાની છે. ગુજરાતની ચાર બેઠકો માટે 26મી માર્ચે મતદાન યોજાશે. સામી ચૂંટણીએ ગુજરાતમાં અને તેના પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં જુદા જુદા કારણોસર રિસોર્ટ રાજકારણ ચાલી રહ્યું છે. ઘર, પરિવાર, મત વિસ્તાર અને ગાંધીનગર – ભોપાલથી દૂર રહેવા ગયેલા ધારાસભ્યોને પૂછવામાં આવે કે ‘રિસોર્ટમાં સમય પસાર કેવી રીતે કરો છો?’ તો એક સર્વસામાન્ય જવાબ મળે કે નવી – જૂની ફિલ્મો જોઇને.

ફિલ્મો જોવાનું માત્ર કૉંગ્રેસના ધારાસભ્યોને ભાગે જ આવ્યું છે.  ક્યારેક એવા દિવસો પણ જરૂર આવશે કે ભાજપના ધારાસભ્યો – સંસદસભ્યોએ પણ રિસોર્ટમાં ફિલ્મો જોઇને દિવસો પસાર કરવા પડશે. જો કે આપણે આજે ફિલ્મોની નહીં પણ ફિલ્મ સાથે જોડાયેલા ગુજરાતના રાજકારણની વાત કરવી છે. તેનું અનુસંધાન જો કે 1995ના વર્ષનું છે. જૂનું છે પણ 2020ના ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલું છે.

અભય ભારદ્વાજનો નાટકમાં અભિનય કરવાનો શોખ

વર્ષ 1995માં નવમી ગુજરાત વિધાનસભાની રચના માટે ચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીમાં રાજકોટ-બે બેઠક પર અપક્ષ ઉમેદવાર લેખે માત્ર 6,246 મત મેળવી ભાજપના વજુભાઈ વાળા સામે પરાજિત થયેલા અભય ગણપતરાય ભારદ્વાજ 2020ની આ ચૂંટણીમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર છે. અભય ભારદ્વાજે 1990માં રજૂ થયેલી હિન્દી ફિલ્મ ‘અગ્નિકાલ’માં ન્યાયાધીશની ભૂમિકા ભજવી હતી. અબ્બાસ બર્માવાલા અને મસ્તાન બર્માવાલાની એ પહેલી ફિલ્મ હતી જેઓ આજના બોલીવુડમાં અબ્બાસ – મસ્તાન નામથી જાણીતા છે. ફિલ્મમાં પંકજ ભટ્ટે સંગીત આપ્યું હતું જેઓ રાજકોટના વતની છે. અભય ભારદ્વાજનો નાટકમાં અભિનય કરવાનો શોખ જાણતા પંકજ ભટ્ટે અબ્બાસ-મસ્તાનને ભલામણ કરી તેમને આ ભૂમિકા અપાવી હતી. એ પછી પણ ગણતરીની ગુજરાતી – હિન્દી ફિલ્મોમાં અભયભાઈએ નાની-નાની ભૂમિકાઓ ભજવી છે જેમાં ‘બાપા સીતારામ’ નામની ગુજરાતી ફિલ્મનો સમાવેશ થાય છે. ‘અગ્નિકાલ’ ફિલ્મના સંગીતકાર પંકજ ભટ્ટ હાલની ગુજરાત સરકારની ‘ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી’ના ચેરમેનપદે ફરજ બજાવે છે.

મુંબઈના નિવૃત્ત સરકારી અધિકારી ચૂંટણી પ્રચાર માટે જામજોધપુર કેમ આવ્યા

1995ની આ જ વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર અશ્વિનભાઈ રાવજીભાઈ ખાંટ માત્ર 296 મત મેળવી પરાજિત થયા હતા. તેમના ચૂંટણી પ્રચાર માટે એ સમયે મુંબઈના મ્યુનિસિપલ કમિશ્નર લેખે તાજેતાજા નિવૃત્ત થયેલા ગોવિંદ રાધો ખૈરનાર ખાસ જોમજોધપુર આવ્યા હતા. મુંબઈના નિવૃત્ત સરકારી અધિકારી ચૂંટણી પ્રચાર માટે જામજોધપુર કેમ આવ્યા એવા પ્રશ્નનો જવાબ છે કે અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ રાવજીભાઈ ખાંટ એ સમયે મુંબઈમાં પત્રકાર તરીકે કાર્યરત હતા અને એ જવાબદારી નિભાવતા તેઓ જી.આર. ખૈરનારના સંપર્કમાં આવ્યા હતા. અશ્વિનભાઈ ખાંટે મુંબઈથી વતનમાં આવી ચૂંટણી લડવાનું મન બનાવ્યું તો અંગત સંપર્કના નાતે જી.આર. ખૈરનાર ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્રના એક નાનકડા તાલુકા સ્તરના ગામ સુધી આવવા તૈયાર થઈ ગયા. પત્નીને સાથે લઈને આવ્યા હતા. જો કે ચૂંટણીમાં તેનો કોઈ ફાયદો જોવા ન મળ્યો અને માત્ર 296 મત મળતા ઉમેદવારે ડિપૉઝિટ ગુમાવી. અશ્વિનભાઈ રાવજીભાઈ ખાંટ આજે 2020માં પણ મુંબઈમાં પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે. 1995 કરતા બમણા જોરથી કામ કરે છે અને અત્યારે આશુ પટેલ નામથી વધારે જાણીતા છે. એ જ એકમાત્ર ઓળખ છે. આશુ પટેલની લખેલી વાર્તા – કથાના આધારે હિન્દી ફિલ્મોના તિગ્માંશુ ધુલીયા અને જયન્ત ગીલાટર સરખા દિગ્દર્શકો જે ફિલ્મ બનાવી રહ્યા છે તે આ વર્ષે નિર્માણાધીન છે અને સંભવતઃ 2021ના વર્ષમાં થિએટરમાં રજૂ થઈ શકે છે.

સંતોકબહેન જાડેજા અવસાન પામ્યા

આ જ ચૂંટણીમાં કુતિયાણા બેઠક પર અપક્ષ મહિલા ઉમેદવાર લેખે સંતોકબહેન સરમણભાઈ જાડેજા 18,734 મત મેળવી પરાજિત થયા. અપક્ષ ઉમેદવાર અને સગપણમાં દિયર એવા ભુરા મુંજા કડછા સામે પરાજિત થયેલા સંતોકબહેન જાડેજા અગાઉની આઠમી વિધાનસભામાં આ જ કુતિયાણા બેઠકના જનતા દળના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. ધારાસભ્ય તરીકે તેઓ આ એકમાત્ર મુદત માટે જ વિધાનસભામાં રહ્યા પણ સિનેમાના પડદે તેમનું સ્થાન કાયમી થઈ ગયું છે. 1999માં રજૂ થયેલી હિન્દી ફિલ્મ ‘ગોડમધર’ સંતોકબહેન જાડેજા અને તેમના દિવંગત પતિ સરમણ મુંજાના જીવન પર આધારિત હતી. ફિલ્મ સિનેમાના પડદે ઠીક-ઠીક રજૂઆત પામી બોક્ષ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મ રજૂ થયા પછીના એક દાયકા બાદ સંતોકબહેન જાડેજા 2011માં અવસાન પામ્યા.

‘ગોડમધર’ ફિલ્મમાં સંતોકબહેનની મુખ્ય ભૂમિકા માટે શબાના આઝમી

‘ગોડમધર’ ફિલ્મમાં સંતોકબહેનની મુખ્ય ભૂમિકા માટે શબાના આઝમીને શ્રેષ્ઠ ફિલ્મ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના ગીતો લખવા માટે તેમના પતિ અને ગીતકાર જાવેદ અખ્તરને શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. રાજ્યસભાની ચૂંટણીના દિવસો છે એટલે આ સાથે એ યાદ કરવું ગમશે કે શબાના આઝમી અને જાવેદ અખ્તર બન્ને રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. શબાના આઝમી 1997થી 2003ના સમય માટે રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય હતા. તો જાવેદ અખ્તર 2010થી 2016ના સમય માટે રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય હતા.

અને હા, સંતોકબહેન જાડેજાના પુત્ર કાંધલ સરમણભાઈ જાડેજા હાલની ચૌદમી ગુજરાત વિધાનસભામાં કુતિયાણા બેઠકના નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી –NCPના ધારાસભ્ય છે. એ પદ પર રહેતા નક્કી કરશે કે આવનારી રાજ્યસભા ચૂંટણીમાં તેમનો પ્રેફરિન્શીયલ મત કોને આપવો. અભિનય કરી ચૂકેલા અભય ભારદ્વાજને કે ભાજપ જેને કહે તેને. રાજ્યસભાની ચૂંટણીમાં એકડા, બગડા અને તગડાનું મહત્વ છે એવી જ આ ઉપર જણાવી તે 1995ની ચૂંટણીની એક-દો-તીન જેવી ફિલ્મી-નોન ફિલ્મી પણ પોલિટીકલી કરેક્ટ વાતો છે.