બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં નારણપુરા નામનો વિસ્તાર છે. તેના એક છેડેથી બીજા છેડે પહોંચીએ તો બધું મળીને પાંચેક કિલોમીટરનો વિસ્તાર થાય. એક સમયે આ વિસ્તારમાં રહેતા અલગ–અલગ સ્તરના રાજકીય નેતાઓ સમય જતાં આગળ વધીને રાજધાની નવી દિલ્લી સુધી પહોંચ્યા.

શરૂઆત ગુજરાતના રાજકારણમાં હાલ નવું સરનામું શોધતા શંકરસિંહ વાઘેલાથી કરીએ. એક સમયે નેવુંના દાયકામાં 1988 થી 1995 વચ્ચે નારણપુરાના મિરામ્બિકા રોડ સ્થિતિ ભાસ્કર અપાર્ટમન્ટનો 'ઈ' બ્લોક તેમનું ઘર હતું. છઠ્ઠી લોકસભામાં કપડવંજ બેઠકના ભારતીય લોકદળના સંસદસભ્ય રહી ચુકેલા તેઓ નારણપુરાના સરનામે રહેતા ત્યારે ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સંસદસભ્ય હતા. અહીં રહેતા જ તેઓ નવમી વિધાનસભાની ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડ્યા અને વિજેતા થયા. એ પછી નારણપુરા છોડી ગાંધીનગર ગયા અને સમય જતાં ભાજપ પણ છોડી ગયા. ભાજપમાં તોડફોડ કરી ગુજરાતના મુખ્યમંત્રી થયા, પછી કૉંગ્રેસમાં પહોંચી કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી થયા. કંઈ નહીંને છેવટે 2020માં શરદ પવારના પક્ષ એનસીપીમાંથી રાજીનામું આપી નવરા થયા.

નારણપુરામાં રહેતા બીજા નેતાનું નામ છે નરહરિ અમીન. સરદાર પટેલ કોલોની પાસે વિજય કોલોનીમાં રહેતા હતા. 1974ના નવનિર્માણ આંદોલનના વિદ્યાર્થી નેતા હતા. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનો વિરોધ કરતા-કરતા એમની સાથે જોડાઈ ગયા. જનતા પાર્ટીની ટિકિટ પર એંસીના દાયકામાં નારણપુરા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર થયા. 1990માં જનતા દળના ધારાસભ્ય અને 1994માં નાયબ મુખ્યમંત્રી થયા. કૉંગ્રેસમાંથી પેટાચૂંટણી મારફતે બીજી વાર 2001માં ધારાસભ્ય થયા ત્યારે એમના ચૂંટણી પરિણામને નિમિત્ત બનાવીને જ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા. એ પછી કૉંગ્રેસમાં રહેતા એક પણ ચૂંટણી ન જીતી શકેલા નરહરિ અમીન 2013 પછી ભાજપમાં ફરી દાખલ થયા. 2020માં ભારતીય જનતા પક્ષે તેમને રાજ્યસભા સંસદસભ્ય લેખે નવી દિલ્લી મોકલ્યા. નરહરિ અમીન હવે સાબરમતી – અડાલજ રહે છે.

આનંદીબહેન પટેલ પતિ મફતભાઈ પટેલ સાથે મેમનગરના સ્વામી ગુણાતીતનગરમાં રહેતા હતા. ભાજપ પાસે એ સમયે મહિલા મોરચાનું માત્ર નામ હતું, કોઈ મહિલા નેતા ન્હોતા. આનંદીબહેનને સઘળી જવાબદારી સોંપ્યા પછી તેમણે નારણપુરા સ્થિત 'ધરતી વિકાસ મંડળ'ને પોતાની રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું. આજે 2020માં તૈયાર નાસ્તા – ફરસાણના વેચાણ કેન્દ્ર તરીકે વધુ જાણીતી એ સંસ્થામાં મહિલામંડળની મિટિંગ્સ યોજીને આનંદીબહેન રાજકારણમાં આગળ આવ્યા તે પાછળ આ વિસ્તારની પાટીદાર મહિલાઓની સબળ ભૂમિકા હતી.

ભારતીય જનતા પક્ષે 1994માં આનંદીબહેન પટેલને રાજ્યસભામાં મોકલ્યા. જો કે તેમણે છ વર્ષની મુદત પુરી ન કરી. ભાજપના મહિલા મોરચામાં કોઈ નવા આગેવાન તૈયાર ન થયા એટલે પક્ષે તેમને પાછા ગુજરાત લાવવાનો નિર્ણય કર્યો. 1998માં દસમી ગુજરાત વિધાનસભામાં પહેલીવાર ધારાસભ્ય થયા, 2014માં રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી થયા. 2018માં પ્રથમ મધ્ય પ્રદેશના અને 2019થી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના ગવર્નર છે. અમદાવાદમાં હવે તેઓ થલતેજમાં દીકરાના નામે પોતાનો આલિશાન બંગલો ધરાવે છે.

નારણપુરામાં રહેતા ચોથા નેતાનું નામ છે અમિત શાહ. સંઘવી હાઈસ્કૂલના ચૂંટણી બુથ ઇન્ચાર્જથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર તેઓ સ્કૂલ નજીક આવેલી શિવસંકલ્પ સોસાયટીમાં રહેતા હતા. અહીં રહેતા જ 1996-1997માં નવમી ગુજરાત વિધાનસભાની સરખેજ બેઠકની પેટાચૂંટણીમાં પહેલીવાર વિજેતા થઈ ધારાસભ્ય થયા, મંત્રી થયા અને વિસ્તારમાંથી તડીપાર પણ થયા. તડીપાર થયા પછી નારણપુરા બેઠકના ધારાસભ્ય થયા અને ભાજપના મહામંત્રી લેખે લખનઉ ગયા. આ પાંચમી મુદતના ધારાસભ્ય હતા ત્યારે 2017માં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ લેખે ગુજરાતમાંથી રાજ્યસભામાં પહોંચ્યા. સત્તરમી લોકસભા ચૂંટણી ગાંધીનગર બેઠકથી વિજેતા થઈ મે 2019માં કેન્દ્રીય ગૃહ મંત્રી થયા. નવી દિલ્લીમાં સત્તાવાર નિવાસ ઉપરાંત હવે તેઓ અમદાવાદના થલતેજ વિસ્તારમાં પારિવારિક બંગલો ધરાવે છે.

રાજ્યસભામાં જતા સભ્યોને રાજ્યસભાની સીટ લોટરી સ્વરૂપે જ મળતી હોય છે. આવી જ લોટરી ઈન્દીરા ગાંધીના શાસનમાં અમદાવાદ જય હિન્દ અખબારના પત્રકાર વિઠ્ઠલભાઈ પટેલને લાગી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની આછી હાજરી હોવા છતાં કોંગ્રેસના ટેકાથી વિઠ્ઠલભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને ચૂંટાયા હતા. આમ ગુજરાતમાંથી કોઈ પત્રકાર રાજ્યસભાાં પહોંચ્યો હોય તે આ પ્રથમ ઘટના હતી. નારણપુરા પત્રકાર કોલોનીમાં રહેતા વિઠ્ઠલભાઈ પટેલને રાજીવ ગાંધીએ બીજી વખત પણ રાજ્યસભાની ટીકીટ આપીને સાંસદ બનાવ્યા હતા. આમ વિઠ્ઠલભાઈ બે ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.

આમ એક જ રહેણાંક વિસ્તારમાં ઘર ધરાવતા, અલગ-અલગ સમયે રાજકીય કારકિર્દી ધરાવતા નેતાઓ નવી દિલ્લી પહોંચ્યા એમ કહી શકાય. પાંચેય નેતાઓની રાજકીય કુનેહ એ અલગથી જાણવાનો વિષય છે.

કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી લેખે નેશનલ ટેક્ષ્ટાઇલ કૉર્પોરેશન હસ્તકની મિલોની મહામૂલી જમીન પાણીના ભાવે વેચી દઈ સરકારને ખોટ કરાવનાર શંકરસિંહ વાઘેલા સીબીઆઈ તપાસનો સામનો કરી રહ્યા છે. તપાસ પ્રમાણિક પણે આગળ વધે તો ટનાટન બાપુને નવેસરથી નવી દિલ્લી રહેવા જવાના ઉજળા સંજોગો છે. સરનામું હશે – તિહાર જેલની ખોલી.