ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): હજારો વર્ષથી અસ્તિત્વમાં રહેલા ગોલ્ડ:સિલ્વર રશિયો આજે ૨૧મી સદીમાં પણ તંદુરસ્તી સાથે હયાત છે. મહત્તમ સમય દરમિયાન ૧ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) સોના સામે ૧૦થી ૨૦ ઔંસની રેન્જમાં ચાંદી ખરીદી શકાતી હતી. શુક્રવારે આ રેશિયો ૧:૧૧૩નો હતો, અર્થાત ૧૧૩ ઔંસ ચાંદીથી ૧ ઔંસ સોનું ખરીદી શકાતું હતું. ૧૬ માર્ચે સોનાના ભાવ ૧૪૮૨ ડોલર અને ચાંદી ૧૧.૭૩ ડોલર હતા, ત્યારે આ રેશિયો તેનો ઓલ ટાઈમ ઐતિહાસિક ઉંચાઈએ ૧૨૬ થયો હતો.

ઓલ ટાઈમ હાઈ રેશિયોનો અર્થ એ થાય કે માનવ ઇતિહાસનાં હજારો વર્ષમાં સોનાની તુલનાએ ક્યારેય ન હતી, તેટલી સસ્તી ચાંદી અત્યાર છે. વળી આ રેશિયોમાથી ઘણાબધા પૈસા મેળવવાના અનેક રસ્તા પણ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ (સીએમઈ) પર સટ્ટોડિયાઓ માટે ગોલ્ડ:સીલ્વર રેશિયો ટ્રેડ કરવા માટેના વાયદા પણ ઉપલબ્ધ છે. પણ હાલમાં આ વાયદામાં વેપાર ખુબજ ઓછા થાય છે. રેશિયો વાયદા ટ્રેડ જટિલ હોવાથી પણ તેની લે-વેચ દરેક માટે સંભવ નથી.     

વ્યવહારમાં જો નફાકારક રીતે રેશિયો ટ્રેડ કરવો હોય તો, સોનાના ભાવ ઘટશે તેના કરતા ચાંદીના ભાવ વધુ વેગથી વધશે, એવી ગણતરી સાથે સોનામાં મંદીના અને ચાંદીમાં તેજીના સોદા પાડવા પડે. પણ વયક્તિગત સલાહ છે કે હાલના તબક્કે સોના સામે આવો રેશિયો ટ્રેડ કરવો, લાખના બારહાજાર પુરવાર થઇ શકે. કોરોના મહામારીનાં આ સમયમાં જો કોઈ પોઝીશન લો તો ખુબજ અચોક્કસતા વચ્ચે સાવધાની રાખવી ખુબજ જરૂરી છે. અત્યારે કોઈને એ ખાતરી નથી કે સોના ચાંદીના ભાવ કઈ રીતે વર્તન કરશે.

કેટલીક ઘટના આપણને સ્પષ્ટ સંકેત આપતી હોય, પણ એક વાત નિશ્ચિત છે કે આ મહામારીની સમસ્યામાંથી બહાર નીકળવા પશ્ચિમનાં દેશો ખાસ કરીને અમેરિકા આડેધડ કાગળિયું નાણું છાપી નાખશે. અમેરિકન કોંગ્રેસનલ બજેટ ઓફીસ કહે છે કે આ વર્ષે રાહત પેકેજો આપવા માટે સરકારની અંદાજપાત્રીય ખાધ ૩.૬ ટ્રીલીયન ડોલરની ઉંચાઈએ પહોચશે. ફેડરલ રીઝર્વે અત્યાર સુધીમાં બે ટ્રીલીયન ડોલરની નોટ છાપી નાખી છે.

જગતના વર્તમાન નાણા પુરવઠાને ધ્યાનમાં લઈએ તો આજના ભાવે સોનું પ્રમાણમાં સસ્તું છે. અને સોનાની તુલનાએ ચાંદી તો ખુબ સસ્તી છે. છેલ્લા ૫૦૦૦ વર્ષમાં ચાંદી ક્યારેય આટલી સસ્તી ન હતી. ૫૦૦૦ વર્ષ અગાઉ સોનું અને ચાંદી કોમોડીટી નાણા તરીકે ઉભરી આવ્યા હતા. ૨૭૦૦ વર્ષ અગાઉ ખાણમાંથી નીકળેલી આ ધાતુના ચાલણી સિક્કા બનવા લાગ્યા.

દર વર્ષે ૧ અબજ ઔંસ ચાંદીનો નવો પુરવઠો આવે છે, સોનાની વાર્ષિક સપ્લાય અત્યારે લગભગ ૧૨૦૦ લાખ ઔંસ છે. પણ ભાવ વચ્ચે ખુબ મોટો તફાવત હોવાથી બજારમાં આવતી આ ચાંદીનું મુલ્ય, સોનાના ૨૦૦ અબજ ડોલરની તુલનાએ માત્ર ૧૫ અબજ ડોલર છે. બીજા શબ્દમાં કહીએ તો વર્તમાન ભાવે ચાંદી કરતા સોનાની બજાર ૧૩ ગણી મોટી છે.       

ટૂંકમાં કહીએ તો ગોલ્ડ:સિલ્વર રેશિયો, સત્તાવાર નાણાની શરૂઆત થઇ ત્યારથી સતત અને માળખાગત રીતે વધતો આવ્યો છે. પરંતુ ૧૯મી સદીનાં અંતિમ તબક્કા સુધી આ રેશિયો સરેરાશ ૨૦:૧ની નીચે રહ્યો છે. ૨૦મી સદીમાં તે ઉછળીને ૪૦:૧ ઉપર પહોચી ગયો અને તેમાં ભારે ઉથલપાથલ પણ જોવા મળી. ૧૮ માર્ચે આ રેશિયો ૧૨૬ થયો અને મહિનો ઉતરતા ૧૧૧ આસપાસ મુકાયો.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૪-૫-૨૦૨૦