મેરાન્યૂઝ નેટવર્ક.લખનૌ: યૂપીની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીનાં અધ્યક્ષ કમલેશ તિવારીની ધોળાદિવસે હત્યા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. કમલેશ તિવારીની તેમની ઑફિસમાં ગોળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે. ગળુ કાપતા પહેલા તેમને ગોળી મારવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએે કમલેશ તિવારી સાથે તેમના ઘરમાં બનેલી ઑફિસમાં મુલાકાત કરી હતી અને તેમની સાથે ચા પીધી હતી. ત્યારબાદ ઘટનાને અંજામ આપીને તેઓ ફરાર થઇ ગયા.  પહેલા હુમલામાં ઘાયલ કમલેશ તિવારીને ગંભીર સ્થિતિમાં ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. પોલીસે આરોપીઓની શોધખોળ તેજ કરી દીધી છે.

મળતી જાણકારી મુજબ, ડૉક્ટરોએ જણાવ્યું કે કમલેશ તિવારીનું ગળું કોઈ ધારદાર હથિયારથી કાપવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પોલીસને રિવોલ્વર મળી આવી છે. જાણકારી મુજબ, કમલેશ તિવારી પર ખુર્શીદ બાગ સ્થિત ઘરમાં જ હુમલો થયો. ઘટનાસ્થળેથી રિવોલ્વર જપ્ત કર્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે કમલેશને ગોળી મારવામાં આવી છે. જોકે, બાદમાં ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે ધારદાર હથિયારથી કમલેશનું ગળું કાપવામાં આવ્યું છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કમલેશ તિવારીને બે લોકો મળવા આવ્યા હતા. એકે ભગવા કપડા પહેર્યા હતા. આ ઉપરાંત પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યું છે જેમાં બંને બદમાશો હત્યાને અંજામ આપીને બાઇકથી ભાગી રહ્યા છે.

હિન્દુ સમાજ પાર્ટીની રચના કરી હતી

કહેવામાં આવી રહ્યું છે કે કમલેશની સુરક્ષા માટે એક સિપાહી પણ તૈનાત રહેતો હતો, પરંતુ ઘટના સમયે તે ત્યાં હાજર નહોતો. કમલેશ તિવારીએ સીતાપુરમાં પોતાની પૈતૃક જમીન પર ગોડસેનું મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કમલેશ તિવારી રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટમાં કેટલાક દિવસ સુધી હિંદુ મહાસભા તરફથી પક્ષકાર પણ રહી ચુક્યા છે.

નોંધનીય છે કે, હિન્દુ મહાસભાના અધ્યક્ષ રહેલા કમલેશ તિવારની મોહમ્મદ પેગંબર વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણી કરવાના મામલામાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા તેઓએ હિન્દુ મહાસભા પાર્ટીની રચના કરી હતી.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું છે. જેમાં સુરતના ઉધનાની ધરતી ફરસાણ નામની દુકાનના પ્લાસ્ટિકના ડબ્બામાં હથિયાર સંતાડવામાં આવ્યા હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે. જેને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ દુકાનમાં તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને દુકાન માલિકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSની ટીમ પણ આ મામલે સક્રિય થઈ છે.