પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): દેશમાં કોરોનાનું આગમન થઈ ગયુ હતું, ત્યારે તબલીગી જમાતે દિલ્હીમાં મરકઝનું આયોજન કરી હજારો ભારતીય અને વિદેશી મુસ્લિમોને એકત્ર કરવાની ભુલ કરી જેની સૌથી મોટી કિંમત અમદાવાદ અને દેશના મુસ્લિમોએ ચુકવી છે, ત્યાર બાદ મુસ્લિમોની બહુમતી હતી. તેવા વિસ્તારની આસપાસ રહેતા હિન્દુ વિસ્તારોમાં પણ સંક્રમણ વધ્યું તે વાતનો અસ્વીકાર થઈ શકે તેમ નથી. મરકઝને કારણે સંક્રમણ વધ્યું તે મુદ્દે બહુ હોબાળો થયો અને મુસ્લિમોને નિશાન બનાવવા માગતા લોકો અને મીડિયા સમુહો પણ તે મુદ્દે ગળા ફાડી ફાડીને બોલતા હતા. જયારે વિજ્ઞાન અને ધર્મની પસંદગી કરવાની હોય ત્યારે વિજ્ઞાન સાથે રહેવામાં જ આપણી સલામતી છેે. તેવી સાદી સમજ ચુકી ગયેલા ઈસ્લામના બંદાઓ અને તેમના પરિવારે તેની કિંમત પણ ચુકવી છે.

હવે જે ભુલ મુસ્લિમોએ કરી તેવી જ ભુલ હિન્દુઓ કરવા જઈ રહ્યા છે. ચાલુ મહિને ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, હમણાં તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રથયાત્રામાં ત્રણ રથ સિવાય કોઈ સામેલ થશે નહીં, લોકો પોતાના ઘરમાંથી જ દર્શન કરવા રહેશે, રથયાત્રાનું મહત્વ અમદાવાદ માટે અલગ જ છે, રથયાત્રામાં દર વર્ષની જેમ ટ્રકો, ભજન મંડળી, અખાડા નહીં જોડાય પણ દર વર્ષે જેઓ રથયાત્રામાં આવે છે. તેવા ભકતો આવશે નહીં તેવું માની લેવાની ભુલ કરવા જેવી નથી, એક અંદાજ પ્રમાણે યાત્રાના પ્રારંભથી અંત સુધી 15 લાખ લોકો આવે છે, આ 15 લાખ લોકો રથના રસ્તા ઉપર ના આવે તો પણ ફુટપાથ ઉપર ઉભા રહીને દર્શન કરશે તો પણ સંક્રમણ કેટલું વ્યાપક થશે તેની કલ્પના પણ ડરામણી છે.

રથયાત્રા કાઢવા માગતા ટ્રસ્ટીઓ અને સરકારે આ મુદ્દાઓનો વિચાર કરવા જેવો છે

(1) રથયાત્રા જે રૂટ ઉપર નિકળ છે તેવા જમાલપુર-ખાડીયા, સરસપુર, દરિયાપુર, શાહપુર અને ઘીકાંટા વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ થયેલું છે અમદાવાદ કોર્પોરેશને જેને રેડ ઝોન જાહેર કર્યો છે તેવા 70 ટકા વિસ્તારમાંથી યાત્રા પસાર થવાની છે જેના કારણે આપણે જાણી જોઈ કેટલું મોટું જોખમ વહોરી રહ્યા છીએ.

(2) યાત્રામાં ભલે ત્રણ રથ જ હોય, અખાડા, ભજન મંડળી અને ટ્રકોને સામેલ કરવાના નથી, છતાં અમદાવાદ કોર્પોરેશન-પોલીસ અને સરકારને ખબર છે કે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે એટલે સરકારે પેરા મીલેટરી ફોર્સ બોલાવવાનો નિર્ણય કર્યો છે.

(3) અમદાવાદ પોલીસની મદદે ગુજરાતભરના પોલીસ અધિકારીઓ, જવાનો અને પેરામીલેટરી ફોર્સ આવે છે. જેમનું સંખ્યાબળ 30 હજારુનું હોય છે. આમ અમદાવાદ બહારથી 30 હજારનું દળ જયારે આવે ત્યારે સંક્રમણ થવાનો ડર ચાર ગણો વધી જાય છે. આ જવાનો કોર્પોરેશની સ્કૂલો અને હોલમાં ઉતારો આપવામાં આવે છે જયાં તેઓ કતારમાં સુઈ જાય છે જેના કારણે પોલીસ ખુદ સંક્રમણનો ભોગ બને તેમાં કોઈ શંકા નથી.

(4) યાત્રા નિકળે તો યાત્રાનો વિરામ સરસપુરમાં હોય છે પરંપરા પ્રમાણે યાત્રા સરસપુર રોકાશે ત્યારે ત્યાં કેવી સ્થિતિ નિર્માણ તે મુદ્દો પણ ધ્યાનમાં લેવો જોઈએ.

(5) અમેરિકામાં શરૂ થયેલા કોમી તોફાનમાં કાળાઓનો વિરોધ કરનાર અમેરિકાના અખબાર ન્યૂઓર્ક ટાઈમ્સના 30 કર્મચારીઓ પોતાના અખબારના આ પ્રકારના ધોરણને કારણે અખબારમાંથી રાજીનામુ આપ્યુ પણ મરકઝના મામલે બરાડી બોલનાર મીડિયા રથયાત્રાના મામલે બહુમતી હિન્દુ નારાજ થશે તેવું માની ચુપ બેસે તે કેટલાં અંશે યોગ્ય છે. વાત હિન્દુ-મુસ્લિમની નહીં એક એક માણસની જીંદગીની છે.

(6) અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના બેફામ ઉચ્ચારણો પછી અમેરિકાની પોલીસે કહ્યું કે ટ્રમ્પ મોંઢુ બંધ રાખે, આવી હિંમત અમેરિકાની પોલીસ કરી શકે છે, પણ હાલની સ્થિતિમાં રથયાત્રા કાઢવી જોઈએ નહીં અમે પરવાનગી આપીશું નહીં તેવું કહેવાની હિંમત એક પણ આઈએએસ-આઈપીએસ અધિકારી કરતા નથી, મુદ્દો સત્તાને પડકારવાનો નથી, પણ ભારત અને ગુજરાત સરકારની નોકરી કરતા અધિકારીઓએ સરકાર અને પ્રજા નારાજ થાય તેવા આકરા નિર્ણય પણ લેવા જોઈએ કારણ ઈશ્વરે તેના માટે તેમને આ નોકરી આપી છે.

(7) લોકડાઉન પુરૂ થયા પછી જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે તે સારી નિશાની નથી, જો યાત્રાને કારણે સંક્રમણ વધ્યું તો સરકાર પાસે શું વ્યવસ્થા છે તે પણ નક્કી કરવું જોઈએ, કારણ હાલમાં અમદાવાદની એસવીપી અને સિવિલમાં ઓળખાણ વગર દર્દીને ભરતી કરવામાં આવતો નથી તો પછીની સ્થિતિ શું હશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ મેરાન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.