મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવુડમાં ખિલાડી તરીકે ઓળખાતા અક્ષયને હવે ઈંડસ્ટ્રીમાં સૌથી વધુ કમાનારા સ્ટાર્સમાંનો એક મનાય છે. આજ સુધી તે જે રીતે મહેનતથી આગળ આવ્યો ત્યાં મહેનતની સાથે સાથે તેને નસીબએ પણ ઘણો સાથ આપ્યો છે. અહીં તેના જીવનની એવી ઘટનાઓની વાત કરી રહ્યાછીએ જેમાં તેના નસીબનું કનેક્શન ખરેખર માનવું પડે.

અક્ષય કુમારને મિસ્ટર બોક્સ ઓફીસ પણ કહેવાય છે, આજે જે સ્થાન પર તે છે તે સ્થાન પર હોવાનું કારણ તે પોતાની મહેનત હોવાનું કહે છે. તેની પાસે આજે બધું જ છે. સારું કરિયર, સુંદર પત્ની અને બાળકો. પરંતુ કેરિયરની શરૂઆતમાં અક્ષય કુમારે ઘણો સંઘર્ષ કર્યો છે.

રિપોર્ટસનું માનીએ તો અક્ષયએ વેટર, શેફથી માંડીને માર્શલ આર્ટ ટ્રેનર સુધીનું કામ કર્યું છે. બોલિવુડમાં તેનો કોઈ ગોડફાધર ન હતો અહીં જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

આ સંઘર્ષના દિવસોમાં અક્ષય કુમારને એક ફોટોશૂટ કરાવવું હતું. રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય પાસે ફોટોગ્રાફરને આપવાના પણ પૈસા ન હતા. તેના પર અક્કીએ કહ્યું કે તે આસિસ્ટન્ટ તરીકે કામ કરી લેશે અને તે દરમિયાનનો પગાર તે ફોટોશૂટના અમાઉન્ટ સમજી લે. શૂટ દરમિયાન બંને મુંબઈના જૂહૂ સ્થિત એક જુના બંગલા પર ગયા હતા.

બંગલાના ચૌકીદારએ તેમને અંદર શૂટ કરવાની ના પાડી દીધી અને ત્યાંથી કાઢી મુક્યા, પછી અક્ષયે તેની દીવાલ પર શૂટ કર્યું. આપને જાણીને નવાઈ લાગશે કે પછી અક્ષય સફળ થયો અને તે પ્રોપર્ટી ખરીદી લીધી. હવે ત્યાં જ અક્ષય કુમારનો શાનદાર બંગલો છે.

આવી જ એક બીજી ઘટના પણ છે જેનો ઉલ્લેખ તે એક ચેટ શોમાં કરી ચુક્યો છે. સંઘર્ષના દીવસોમાં અક્ષય રાજેશ ખન્ના પાસે કામ માગવા પહોંચ્યો હતો. તે વખતે રાજેશ પાસે અક્ષયના માટે લાયક કામ ન હતું. અક્ષયે ત્યાંથી ખાલી હાથ પાછું ફરવું પડ્યું હતું. અક્ષય સફળ થયો અને રાજેશ ખન્નાની દીકરી આજે તેની પત્ની છે. અક્ષય કહે છે કે તેણે ક્યારેય સપનામાં પણ આવું વિચાર્યું ન હતું.

અક્ષયે પોતાના નાનપણની એક ઘટના પણ કહી હતી. એક વાર તેના પિતા તેને ગુસ્સામાં વઢી રહ્યા હતા. તેમણે અક્ષયની મસ્તીથી ગુસ્સે થઈ તેને કહ્યું કે, ખબર નથી મોટો થઈને શું કરશે. અક્ષયે વગર કાંઈ વિચારે બોલી દીધું કે, હીરો બનીશ. તેની આ જ વાત સત્ય સાબિત થઈ ગઈ. આમ અક્ષયના નસીબ પર માનવું પડે.