મેરન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે દારૂબંધીના કડક કાયદાકીય નિયમની અમલવારી ફક્ત કાગળ પર રહેતા દારૂના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ ગયા છે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના સાચોદર ગામના નાથાભાઈ દેવચંદ ભાઈ પટેલે ગામમાં ચાલતા દેશી દારૂના વેપલામાં અટકાવવામાં નિષ્ફળ ગયેલી પોલીસતંત્રથી તંગ આવી ધારાસભ્યને ગામમાં ચાલતા દેશી દારૂના વેચાણનો સમય બદલવાની માંગ કરતી લેખિત રજૂઆત કરતો પત્ર સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા સાબરકાંઠા પોલીસતંત્ર માટે ક્ષોભજનક સ્થિતિ પેદા થઈ છે.

સોશ્યલ મીડિયામાં ફરતા થયેલ પત્રમાં જણાવ્યા અનુસાર, સાચોદર ગામમાં ગુજરાત પોલીસની હપ્તારૂપી મહેરબાનીથી ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ અંગે જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકને રૂબરૂ રજૂઆત કરવા છતાં દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાથી પરિણામ શૂન્ય આવતા દારૂના વેચાણ સામે કોઈ વાંધો નથી દારૂનું વેચાણ સરેઆમ જાહેરમાર્ગ પર થઇ રહ્યું છે, જેનો સમય સાંજના ૫ વાગ્યાનો હોવાથી સાંજે ૭ વાગ્યા પછી કરવામાં આવેની માંગ કરતા કારણ પણ દર્શાવવામાં આવ્યું છે.

જેમાં જાહેરમાર્ગ પર થતા દારૂના વેચાણનો સમય સાંજના ૫ વાગ્યાનો હોવાથી તબેલાઓમાં દૂધ દોહવા જવાનો અને લોકો સહીત મહિલાઓ અને ખેડૂતોને અવર-જવર કરવાનો સમય હોવાથી દારૂ પીને બેફામ બનતા દારૂડિયાઓના ત્રાસથી જાહેરમાગ પરથી પસાર થવું દોજખભર્યું બની રહેતું હોવાથી જેથી દારૂના વેચાણના સમયમાં થોડો ફેરફાર કરી સાંજના ૭ વાગ્યાનો સમય કરવામાં આવેની માંગ સાથે ધારાસભ્યને રજુઆત કરતા પત્રએ હાલ સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવવાની સાથે સાબરકાંઠા પોલીસતંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.