મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ ભાજપ સરકારમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ બેફામ બની ભ્રષ્ટાચાર આદરવામાં ગળાડૂબ બન્યા છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે જતા અરજદારોનું કામ વહીવટદારો અને રૂપિયાના અભાવે ટલ્લે ચડતું હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે ભાજપના રાજમાં ખુદ ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ખુદ અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાચાર જણાઈ રહ્યા છે તો સામાન્ય પ્રજાજનોને હાલત વિષે તો વિચારવું જ રહ્યું...!
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકા મામલતદાર કચેરીમાં પિવાનુ પાણી અને સ્વચ્છતાને લઇ ગંભીર સ્થિતિ સામે આવી છે. જેમાં હિંમતનગર તાલુકાના સવગઢ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય  રવીન્દ્રસિંહ ચાવડાને તેમના મત વિસ્તારના પ્રજાજનોએ જનસેવા કેન્દ્રમાં નાયબ મામલતદારના અરજદારો સામે તુમાખી ભર્યા વર્તન અને ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની રજુઆત કરતા તાલુકા પંચાયત સદસ્ય રવીન્દ્રસિંહ ચાવડા સામાન્ય નાગરિક બની કામકાજ અર્થે પહોંચ્યા હતા તેમને પણ કડવો અનુભવ થતા સમસમી ઉઠ્યા હતા અને નાયબ મામલતદાર હરેશ પટેલ સાથેના વર્તનનો વિડીયો બનાવ્યો બનાવી ભાજપના તાલુકા પંચાયત સદસ્ય  રવિન્દ્રસિંહ ચાવડાએ કચેરીના નાયબ મામલતદાર હરેશ પટેલ ઉપર પૈસા લઇ કામ કરતા હોવાનો તેમજ અરજદારો સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનો આક્ષેપ મુક્યો છે. આ પછી સમગ્ર બાબતે મામલતદારને સાથે રાખી પિવાનુ પાણી અને ગંદકીના દ્રશ્યો બતાવતા ચોંકી ગયા હતા.
મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં અરજદારોનો ઘસારો રહેતો હોઇ દરરોજ સાંજે ચાર વાગ્યે સર્વર ડાઉન થઇ જાય છે. જેમાં નાયબ મામલતદાર હરેશ પટેલની ભુમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરી રવિન્દ્રસિંહે તપાસ કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ તમામ ઘટનાક્રમનો રવિન્દ્રસિંહે વિડીયો તૈયાર કરી પંથકમાં વાયરલ કરતા વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે. મામલતદારે ઘટનાને લઇ બંને પક્ષોને સાંભળી આગામી અઠવાડીયે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.