મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ હિંમતનગર શહેરના ટાવર ચોક સ્થિત સરદાર પટેલના સ્મારકને મંગળવારે બપોરે નગરપાલિકા તંત્ર દ્વારા હટાવવાની કામગીરી દરમિયાન પ્રતિમા ખંડિત થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કામગીરી અટકાવતાં નગરપાલિકા તંત્રના સત્તાધીશો લોકોનો રોષ નિહાળી ઘટનાસ્થળેથી રવાના થઈ ગયા હતા. પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી લોકો સાથે સમજાવટ હાથધરી હતી. વર્ષ-૨૦૧૭ માં પણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખસેડતા વિવાદ સર્જાયો હતો.

આ અંગે મેરાન્યૂઝના પ્રતિનિધિએ હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસરને ટેલિફોનિક પૂછપરછ કરતા તેમના જણાવ્યા અનુસાર  હિંમતનગર શહેરના ટાવર ચોક સ્થિત સરદાર પટેલ સાહેબની પ્રતિમાને ૨૫ વર્ષ થતા જર્જરિત હોવાથી તેના સ્થાને નવીન પ્રતિમા ૧૫ ઓગસ્ટે સ્થાપિત કરવાની હોવાથી ક્રેન દ્વારા ખસેડવાની કામગીરી દરમિયાન પગના ભાગેથી થોડી ખંડિત થઈ હોવાનું અને લોકોમાં ખોટી ગેરસમજ ઉભી થઈ હોવાનું જણાવ્યું હતું.