જય અમીન (મેરાન્યૂઝ.હિંમતનગર): વડાપ્રધાન નરેન્દ્રમોદીના રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના વાઈરસને હરાવવા માટે રવિવારે જનતા કર્ફ્યુના એલાન કરતા રવિવારે ગુજરાતમાં જનતા કર્ફયુને જબરજસ્ત સમર્થન મળ્યું છે જનતા કર્ફ્યુમાં ઘરવિહોણા પરિવારો અને ઝુંપડા સહીત ફૂટપાથ પર રહેતા તેમજ ભિક્ષાવૃતિ કરી જીવન જીવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સાબરકાંઠા પોલીસે આવા ઘરવિહોણા અને બે સહારા લોકોની મદદે પહોંચી ફૂડ પેકેટ સહીત બિસ્કિટનું વિતરણ કર્યું હતું પોલીસના આ ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી હતી.

સામાન્ય રીતે પોલીસ સામે ગંભીર આરોપ લાગતા હોય છે અને સવાલો ઉભા થતા હોય છે. પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં ફફડાટ આવી જાય છે. ક્યારેક નાનું છોકરું રડતું હોય ત્યારે તેને ચૂપ કરાવવા મા-બાપ પણ પોલીસની બીક બતાવતા હોય છે. ખાખી વર્દીમાં કડક દેખાતી પોલીસમાં પણ માનવતા ભરી છે તેનું ઉદાહરણ હિંમતનગરમાં જોવા મળ્યું હતું સાબરકાંઠા પોલીસવડા ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ પ્રોબેશનલ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને તેમની ટીમે સરાહનીય કામ કર્યું હતું. જનતા કર્ફ્યુના પગલે શહેરમાં તમામ વિસ્તારો સુમસામ બની જતા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા પરિવારો, ભિક્ષાવૃતિ સાથે સાંકળયેલા અને ફૂટપાથ પર જીવન નિર્વાહ ચલાવતા પરિવારોને ફૂડ પેકેટ અને બિસ્કિટનું વિતરણ કરી ગરીબોની જઠરાગ્નિ ઠારી ચિંતાની તણાઈ લકીરો પર પોલીસે ખુશી વહેંચી હતી.