મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ રાજસ્થાનના રાજ્યને અડીને આવેલા સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં રાજસ્થાનની ઘરફોડ ચોરી અને વાહનચોરી કરતી ગેંગ છાસવારે બંને જીલ્લામાં ચોરી લૂંટની ઘટનાને અંજામ આપતી રહે છે બંને જિલ્લામાં બાઈક ચોરી કરતી ગેંગ બાઈક ચોરી પોલીસતંત્રને ચેલેન્જ આપી રહી છે ત્યારે  રાજસ્થાનના રહેતા કેટલાક શખ્સોએ બાઈક ચોરીના રવાડે ચઢી જતા ગુજરાત અને રાજસ્થાનની પોલીસ માટે તેઓ શિરદર્દ સમાન હતા ત્યારે શનિવારે સવારે સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે રાજસ્થાન ગેંગના પાંચ શખ્સોને હિંમતનગરમાંથી ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સોએ રાજસ્થાન તથા સાબરકાંઠા અને અરવલ્લીમાંથી અનેક બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ.૪.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ૧૫ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

સાબરકાંઠા એલસીબી પોલીસે બાતમી મળી હતી કે રાજસ્થાનની બાઈક ચોરી કરતી ગેંગના કેટલાક શખ્શોએ બાઈક અને મોપેડની ચોરી કરવા માટે હિંમતનગરમાં ધામા નાખ્યા છે જે આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરીને વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં રહેતા પાંચ શખ્સોને શકને આધારે ઝડપી લીધા હતા અને તેમને અલાયદા સ્થળે રાખીને પુછપરછ શરૂ કરી હતી.

જેમાં પકડાયેલા  પાંચેય શખ્સોએ સાબરકાંઠા, અરવલ્લી તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી અંદાજે ૧૫ જેટલી વાહનચોરી કરી હોવાનું કબુલ્યુ હતું. પકડાયેલા પૈકી એક શખ્સ કમલેશભાઈ કાવાજી ડામોરએ સાત વર્ષ અગાઉ બંને રાજ્યોમાંથી સાત વાહન ચોરીમાં સંડોવાયેલો હોવાનું જણાયુ હતું પરંતુ તે પોલીસને થાપ આપી છુપાતો ફરતો હતો. બીજી તરફ પકડાયેલા આ શખ્સોએ પુછપરછ દરમિયાન હિંમતનગર, વડાલી, પ્રાંતિજ, શામળાજી સહિતના અન્ય સ્થળેથી સિફત પુર્વક વાહન ચોરીને ભાગી જતા હતા.

જેથી પોલીસે તેમને સાથે રાખીને જે સ્થળે ચોરાયેલા વાહનો રાખ્યા હતા તે સ્થળે જઈને દશથી વધુ બાઈકો કબ્જે લીધા હતા. આ ઉપરાંત પોલીસે અંદાજે રૂ. ૪.૭૭ લાખનો મુદ્દમાલ કબ્જે લઈ વધુ તપાસ માટે જે પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરાયાની ફરીયાદ નોધાઈ હતી તે પોલીસ સ્ટેશનોમાં તેમને મોકલવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની ગેંગના આ સભ્યોએ હિંમતનગર એડીવીઝન, વડાલી પોલીસ સ્ટેશન, વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશન, અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશનના વિસ્તારો ઉપરાંત રાજસ્થાનના ડુંગરપુર તથા ભુપાલપુરા અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાંથી વાહનો ચોર્યા હોવાનું જણાયુ હતું.