મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગરમાં કનાઈ ગામમાં કોલેજ કરતી ૧૯ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ છે. જો કે યુવતીના અગ્નિ સંસ્કાર બાદ મોબાઈલ ખોલવા જતાં યુવકે યુવતીને સામાજિક બદનામી સહિત આપઘાત માટે મજબૂર કરાયાનું ધ્યાને આવતા યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

સાબરકાંઠાના હિંમતનગરના કનાઇ ગામે કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા સમગ્ર પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. જોકે વહાલસોયી દીકરીની અંતિમવિધિ પતાવ્યા બાદ દીકરીનો મોબાઈલ જોતા ગામના જ એક યુવક દ્વારા માનસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબૂર કરઈ હોવાનું જોવા મળ્યું, મેસેજ જોવા મળ્યા હતા. જેના પગલે દીકરીના પિતાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. જેમાં આરોપીએ પ્રથમ પત્નીને તલાક આપ્યા બાદ ગામની અન્ય ઈસમને લઈ ભાગી છૂટયા હોવાની સાથોસાથ હાલમાં ત્રીજા લગ્ન કરી પરિવાર સાથે રહેતો હોવા છતાં ગામની યુવતીને જ પોતાના પ્રેમજાળમાં ફસાવ્યાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં અજંપા ભરી શાંતિ છવાઈ છે.

Advertisement


 

 

 

 

 

જોકે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી છેલબટાઉ યુવકો દ્વારા યુવતીઓને શારીરિક-માનસિક ત્રાસ આપવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આ મામલે પોલીસ તંત્ર સહિત માતા-પિતાએ પણ જાગૃત બનવું તે સમયની માંગ છે. પોતાની દીકરી ગુમાવ્યાના દુઃખની સાથોસાથ ગામના જ યુવકે કરેલા ગુના સામે ઠોસ કાર્યવાહી કરવાની પરિવારજનો માંગ કરી રહ્યા છે તેમજ આગામી સમયમાં આ વિસ્તારમાં ફરીથી આવો બનાવ ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવી રહ્યા છે. જોકે હાલ યુવક દ્વારા માનસિક ત્રાસ થકી દીકરી ગુમાવ્યાના દુઃખની સાથોસાથ સમગ્ર સમાજ માટે પણ ચિંતાજનક બાબત બની શકે તેમ છે.

હિંમતનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાના મામલે પરિવારજનો દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો સ્વિકાર્યા છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીની સાથે સંબંધો હોવાની સાથોસાથ મોબાઇલમાં ફોટોગ્રાફ અને વીડિયો પણ હોવાનું સ્વીકાર્યું હતું. ઉપરાંત મૃતક યુવતીને માનસિક ત્રાસ આપ્યાનું પણ ખુલ્યું છે. જોકે વિદ્યાર્થિનીને છેલ્લા કેટલાય સમયથી યુવક હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ તેની માતાએ કરી હોવા છતાં નજર અંદાજ કરાયેલા સૂચનાના પગલે યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ યુવક અન્ય યુવતીઓની પણ જિંદગી બરબાદ કરતો હોવાનું ખુલ્યું છે ત્યારે પોલીસે હાલના તબક્કે યુવકને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.