જય અમીન (મેરાન્યૂઝ.સાબરકાંઠા): સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો અસહ્ય બનેલા ત્રાસ અને વાહન ચાલકો અને રાહદારીઓને પશુઓ શીંગડે ભરાવતા હોવાની સતત ઘટનાઓ બનતા જીલ્લા કલેકટર હિતેશ કોયાએ હિંમતનગરમાં જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાતાં ગૌભક્તો અને ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે કલેક્ટરના લોકોના જીવના હિતને ધ્યાને લેવાયેલા મુદ્દાઓ પર ઘણા ઓછા લોકોની નજર પડી રહી છે. અહીં આ સ્થાને લોકહીતને બદલે મામલો ધાર્મિક રીતે જોવાઈ રહ્યો છે. કલેકટરે જાહેરનામું બહાર પાડતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જાહેરનામું પરત લેવા આવેદનપત્ર આપી જીલ્લા કલેકટરને રજૂઆત કરશે જ્યારે વી.એચ.પી. દ્વારા જાહેરનામુ જોવું પડશે તેવું કહી બાદમાં નિર્ણય કોઈ લેવાય તેવી શક્યતાઓ છે.

સાબરકાંઠા જીલ્લા સમાહર્તા હિતેશ કોયાએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી બેરણારોડ, રિલાયન્સ માર્ટ સામે, સંઘરોડ ફાટક આસપાસનો વિસ્તાર, દૂર્ગા કોમ્પ્લેક્સ વાળુ ફાટક, જેપી મોલ સામે મહાકાલી - ગાયત્રી મંદિર રોડ, ધાણધા ફાટક, છાપરીયા ચોકડી હનુમાનજી મંદિર, બળવંતપુરા ફાટક પાસે, ડેમાઇ રોડ સહિતના વિસ્તારોને પ્રતિબંધીત જાહેર કરી રખડતા પશુઓને ઘાસચારો નાખવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ લાદયો છે અને આ પ્રવૃત્તિ થવાથી અકસ્માતની શક્યતાઓ અને લોકોના સ્વાસ્થ્ય માટે ભયરૂપ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

જોકે બીજી બાજુ શહેરીજનોએ ગાયોને છૂટી કેમ મુકાય છે તેનુ નિરાકરણ લાવવાને બદલે પૂણ્યકર્મને છીનવી લેવાયું હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. જોકે આ જાહેરનામું ખરેખર લોકહિત માટે સુયોગ્ય છે કે તેને ધાર્મિક્તા વચ્ચેની આડખીલી સમજવી કે પછી પ્રાણીને પણ આ પૃથ્વી પર વિહરવાનો હક છે તેવું માનીને આ બાબતમાં છૂટ હોવી જોઈએ તે તમામ મુદ્દાઓ એક રીતે ઘહન ચર્ચાનો વિષય છે પરંતુ અહીં તે બાબત પણ ધ્યાને લેવી જરૂરી છે કે તંત્ર દ્વારા જ રખડતા ઢોરો અને ડોગને સલામત સ્થાન આપવા બાબતે ઉદાસીનતાને દુર કરવા પહેલો પ્રયાસ થવો જરૂરી છે.