મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગર: કોરોનાની મહામારી પ્રસરતી અટકાવવા ૨૧ દિવસના લોકડાઉનની અમલવારી માટે પોલીસતંત્ર ખડેપગે ફરજ બજાવી રહી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં સતત દોડધામ જોવા મળી રહી છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં ટાવર પાસે આવેલ રેલ્વે ઓવરબ્રીજ પર પોલીસ કર્મચારીની અલ્ટો કારની અડફેટે બાઈક પર પસાર થઈ રહેલા પોલીસ કર્મચારીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બાઈક ચાલક પોલીસ કર્મીનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસતંત્ર અને પોલીસકર્મીના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
  
પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર પોલીસ કંટ્રોલરૂમમાં વાયરલેસ ઓપરેટર તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ દાનજીભાઈ વણકર (ઉં.વર્ષ-૫૫)  પોતાનું બાઈક લઈને રવિવારે બપોરે ૧૧.૪૫ વાગે ઘરેથી પોલીસ કંટ્રોલ રૂમ જતા સમયે  હિમતનગરના ટાવર ચોક થી મહાવીરનગર જવાના રેલ્વે ઓવર બ્રીજ પર ટાવર તરફથી જીલ્લા પોલીસ વડાની કચેરીમાં ક્લોથીંગ સ્ટોરમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ મોતીભાઈ વણકર અલ્ટો કાર લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ઓવરબ્રીજ પર બાઈક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક અમૃતભાઈને શરીરે ગંભીર ઈજા પહોચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે એ -ડીવીઝન પોલીસ સ્ટેશનની સેકંડ મોબાઈલમા તાત્કાલિક સારવાર અર્થે હિમતનગર સિવિલમાં લઇ ગયા હતા જ્યાં અમૃતભાઈ વણકરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 જે અંગે હિમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી તો મૃતકના ભાઈ દિનેશભાઈ વણકરની ફરિયાદ આધારે અલ્ટો ચાલક પ્રવીભાઈ મોતીભાઈ વણકર સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.