મેરાન્યૂઝ નેટવર્ક.હિમ્મતનગરઃ સમગ્ર દેશમાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં બાળકીઓ પર શારીરિક અત્યાચારો જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. સાબરકાંઠા જીલ્લામાં ૬૦ વર્ષીય આધેડે ૧૦ વર્ષીય બાળકીની એકલતાનો લાભ લઈ ઘરનો દરવાજો બહારથી બંધ કરી હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ આચરતા બાળકીને શોધતા શોધતા તેના કાકા આ નરાધમના ઘરે જતા બાળકીની સ્થિતિ જોઈ ચોકી ઉઠ્યો હતો. સનસનાટી ભરી ઘટનાથી પરિવાર હિબકાઈ ગયો હતો. દુષ્કર્મનો ભોગ બનેલ પરિવારે આબરૂ જવાના ડરે કોઈને વાત કરી ન હતી. પીડિત બાળકીને સતત પેટમાં દુઃખાવો થતા તેના કૌટુંબિક કાકાએ હિંમત અપાતા સમગ્ર મામલો ગાંભોઇ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હિંમતનગરના એક ગામે રહેતા એક પરિવારની ધોરણ-૬માં અભ્યાસ કરતી બાળકીને ૬૦ વર્ષીય આધેડે પીંખી નાખતા ભારે ચકચાર મચી છે. દુષ્કર્મના આરોપીને ફાંસીના માંચડે લટકાવાની માંગ પરિવારજનોએ કરી હતી. અડપોદરા રહેતા પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે પતિ પત્ની ધાર્મિક કામકાજ અર્થે બહાર જતા ત્રણે બાળકોએ ઘરે ચા પીવાની ઈચ્છા થતા ચા બનાવી હતી. ઘર નજીક રહેતા કાંતિભાઈ કડવાભાઇ મકવાણા (ઉં.વ.આશરે-૬૦) નામના આધેડે પારિવારિક સબંધો હોવાનો લાભ ઉઠાવી બાળકીને ચા પીવડાવાનું કહેતા બાળકી ચા આપવા પહોંચી હતી. જે પછી તેણે ઘરનો દરવાજો બંધ કરી બાળકીને હેવાનિયત સાથે પીંખી નાખી હતી. આ દર્દનાક ઘડીમાં બંધ દરવાજાના પગલે બાળકીની ચીસો પણ કોઈ સંભાળી શક્યું ન હતું.

બાળકીના કાકા બાળકીને શોધતા આ નરાધમને ઘરે પાછળથી પહોંચતા બાળકીની સ્થિતિ જોઈ ગભરાઈ ગયા હતા. જે પછી તેઓ બાળકીને ઘરે લઈ આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે બાળકીએ તેના પરિવારજનોને જણાવતા તેઓ ગુસ્સામાં આવી ગયા હતા.

જોકે, બાળકીના માતાપિતાએ બાળકીના ભવિષ્યની ચિંતા અને આબરૂ જવાના ડરે આ બનાવ અંગે કોઈને વાત કરી ન હતી. આધેડે આચરેલા પિશાચી કૃત્ય બાદ બાળકી સતત રડતી હોવાની સાથે પેટમાં અસહ્ય દુઃખાવો થતા કૌટુંબિક કાકાને બાળકીના પિતાએ વાત કરી હતી. બાળકીના માતા-પિતાને તેમણે હિંમત આપી સમજાવી ફરિયાદ આપવા જણાવતા બાળકીના માતા-પિતા તેમની બંને બાળકીઓ સાથે ફરિયાદ કરવા ગાંભોઇ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગાભોઇ પોલીસે બાળકીના ફરિયાદના આધારે કાંતિભાઈ કડવાભાઇ મકવાણા વિરુદ્ધ ઇપીકો કલમ ૩૭૬-એ.બી તથા પોક્સો કલમ ૫ (આઈ) (એમ), ૬ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગાંભોઇ પી.એસ.આઈ એ.પી બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને મેડિકલ પરીક્ષણ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથધરી છે. સાથે જ વધુ કાર્યવાહી હાથ ધરી કેસની હકીકતો પણ તપાસવામાં આવશે તેવું કહ્યું હતું.