મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ દાહોદ જીલ્લાના અને ગઢોડા ગામની સીમમાં ખેતરમાં ખેતમજુર તરીકે જીવન નિર્વાહ ચલાવતા આદિવાસી પરિવાર પર અજાણ્યા શખ્શોને મદદ કરવી મુશ્કેલીનો પહાડ બની હતી. ૫ શખ્શો શનિવારે પરોઢિયે ખેતમજૂરની ઓરડી પાસે કાર સાથે પહોંચી કાર બગડી હોવાનું જણાવી પાણી માંગ્યું હતું. ઓરડીમાં રહેલી શ્રમજીવી મહિલાને જોઈ જતા પાણી માંગવાના બહાને આવેલા ૨ શખ્શો ઓરડીમાં ધસી જઈ શ્રમજીવી ખેડૂત અને તેના ૫ બાળકોને ઓરડીમાં એકબાજુ બેસાડી જાનથી મારી નાખવાનો ડર બતાવી ખેત મજુર મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ખેત મજૂરને માર મારી તમામને ઓરડીમાં પુરી પાંચે શખ્શો ફરાર થઈ ગયાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

શ્રમજીવી ખેડૂતે હિંમતનગર પોલીસતંત્રને સમગ્ર ઘટના અંગે જાણ કરતા ઘટનાની ગંભીરતા સમજી પારેવાની જેમ ફફડાટ શ્રમજીવી પરિવારની પાસે હિંમતનગર એ ડિવિઝન પોલીસ પહોંચી તમામના નિવેદન લઈને ફરિયાદ નોંધીને દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાને સારવાર તેમજ મેડીકલ ચેકઅપ માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસે ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાની ફરિયાદના આધારે અજાણ્યા ૫ શખ્શો વિરુદ્ધ ઇપીકો કલમ-૩૭૬-(ડી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શ્રમજીવી પરિવારને પોલીસે હિંમત આપતા ગેંગ રેપનો ભોગ બનેલી શ્રમજીવી પરિવારની મહિલાએ પોલીસ આગળ તેની સાથે દુષ્કર્મ કરનાર શખ્શોનું વર્ણન કર્યું હતું. જેમાં એક શખ્શ કદાવર પીળા કલરનું શર્ટ અને કોફી કલરનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે અન્ય શખ્શ પાતળા બાંધાનો અને ચોકડી વાળું કાળું-સફેદ શર્ટ પહેર્યું હોવાનું જણાવતા સફેદ કાર અને વર્ણન આધારે શખ્શોને ઝડપી પાડવા સીસીટીવી કેમેરા ફંફોસવાની સાથે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.