મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ચાંદરણી ગામે દોઢ મહિના અગાઉ ૩૫ વર્ષીય યુવકની તેના પિતરાઈ ભાઈએ જ જમવા જેવી સામાન્ય બાબતમાં ૩૫ વર્ષીય યુવકને ઘરમાં પુરી માર મારી મોતને ઘાટ ઉતારી બીજા દિવસે અન્ય એક શખ્શની મદદથી મૃતક યુવકની લાશનું મીણીયામાં પોટલું વાળી સ્કૂટી પર નાખી તેના ખેતરમાં લઈ જઈ ખાડો ખોદી દાટી દીધી હતી. સમગ્ર ઘટના નજરે જોનાર શખ્શને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર ઘટના દબી જતા બંને આરોપીઓ બિન્દાસ્ત જાણે કઈ ન બન્યું હોય તેમ રોજીંદુ જીવન જીવતા હતા.

“આખરે પાપ છાપરે ચડી પોકાર્યું” કહેવત પ્રમાણે મૃતક યુવકની બહેન તેના ભાઈને મળવા આવતા ભાઈ ન મળી આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. ગાંભોઇ પોલીસ કાફલા સાથે ખેતરમાં પહોંચી મૃતક યુવકની લાશને ખાડામાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પિતરાઈ ભાઇએ જ પિતરાઈ ભાઈની હત્યા કરી હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી હતી.

ચાંદરણી ગામના ભલાજી ભીખાજી ચૌહાણ (ઉં.વર્ષ-૩૫) લગ્ન થયા બાદ છૂટાછેડા થઇ જતા તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહી મજૂરી કરી પેટિયું રળતો હતો. દોઢેક મહિના અગાઉ તેના પિતરાઈ ભાઈ રણજીત ઉર્ફે મિતેષ રામાજી ચૌહાણ સાથે જમવા જેવી સામાન્ય બાબતે ઝગડો થતા મિતેષે ભલાજી ચૌહાણને ઘરમાં પુરી માર મારી હત્યા કરી દીધી હતી. બીજા દિવસે મિતેષે મોતીજી કેશાજી ચૌહાણની મદદથી મૃતક યુવકની લાશને મીણીયામાં લપેટી સ્કૂટી પર મૂકી તેના ખેતરમાં ખાડો ખોદી દાટી દીધી હતી. સમગ્ર ઘટનાને વિષ્ણુજી કચરાજી પરમાર જોઈ જતા ગભરાઈ ગયો હતો અને ઘર તરફ દોટ મુકતા મિતેષ જોઈ જતા પાછળ દોડી પકડી પાડી મૃતકની લાશ પાસે લઈ આવી મિતેષે અને મોતીજીએ આ વાત કોઈને કહીશ તો જાનથી હાથ ધોવા પડશેની ધમકી આપતા હત્યાને અંજામ આપનાર બંને શખ્શોનો ખૂની ચહેરો જોઈ વિષ્ણુજી ગભરાઈ જતા હત્યાનો મામલો દબી ગયો હતો.

મૃતક ભલાજી ભીખાજી ચૌહાણની પરણિત બહેન ક્રિષ્નાબેન ભાથીજી પરમાર (રહે, રામાયણ તા. ઇડર) તેના ભાઈનો સંપર્ક ન થતા ચાંદરણી આવી તપાસ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા ગાંભોઇ પોલીસને જાણ કરતા ગાંભોઇ પોલીસનો કાફલો ચાંદરણી ગામે મિતેષના ખેતરમાં પહોંચી મૃતક ભલાજીની લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી ક્રિષ્નાબેન ભાથીજી પરમાર (રહે, રામાયણ તા. ઇડર)ની ફરિયાદના આધારે ૧) રણજીત ઉર્ફે મિતેષ રામાજી ચૌહાણ અને ૨) મોતીજી કેશાજી ચૌહાણ સામે ઇપીકો કલમ- ૩૦૨, ૨૦૧, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.