મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગર:  રાજ્યભરમાં ચાઈનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ હોવાથી ચાઈનીઝ દોરીના વેચાણમાં ત્રણ ગણો નફો હોવાથી ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા માફિયાઓ ચાઈનીઝ દોરીનો સંગ્રહ અને હેરાફેરીમાં સક્રિય થયા છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે મોતીપુરા નજીક શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાં ફટાકડાના બોક્ષની પાછળ સંતાડેલ ૩૨૦૦ ચાઈનીઝ ફીરકીનો જથ્થો મળતા પોલીસ ચોકી ઉઠી હતી. ટ્રક ચાલકે ૬.૪૦ લાખની ચાઈનીઝ દોરી મોડાસા થી મહેસાણા લઇ જવાતો હતો. પોલીસે ટ્રકમાં ચાઈનીઝ દોરી ભરી આપનાર અને મંગાવનાર અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હિંમતનગર એ-ડિવિઝનના મહિલા પીઆઈ ભાવનાબેન ડોડીયા તેમની ટીમ સાથે મોતીપુરા સર્કલ નજીક પેટ્રોલીંગ કરતા હતા ત્યારે એક શંકાસ્પદ આયશર ટ્રક પસાર થતા પોલીસે ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી ફટાકડાના જથ્થા પાછળ ખોખાઓમાં પેક કરેલ ૩૨૦૦ ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવતા પોલીસે ટ્રક ડ્રાઇવર ધનસુરા બારનોલીના  કલ્પેશભાઈ પેથાભાઈ ભરવાડની અટકાયત કરી ૬.૪૦ લાખની ચાઈનીઝ દોરી અંગે પૂછપરછ કરતા ટ્રકમાં ચાઈનીઝ દોરી મોડાસા થી ભરી મહેસાણા લઇ જતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઉત્તરાયણ પૂર્વ અધધ ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરતા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે હિંમતનગર ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી હતી.