મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગર: સમગ્ર ગુજરાતમાં આરટીઓ કચેરીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની સાથે એજન્ટ રાજ પ્રવર્તી રહ્યું છે હિંમતનગર આરટીઓ કચેરીમાં ફરજબજાવતા સિનિયર ક્લાર્ક કે.કે વાણીયા વિરુદ્ધ  ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉભી થતા કમિશ્નર કચેરી દ્વારા તપાસ કરાઈ હતી આ તપાસમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને એજન્ટો સાથેની સાંઠગાંઠ બહાર આવી છે. આ મામલામાં વાહન વ્યવહાર કમિશ્નરે સીનીયર ક્લાર્ક કે.કે.વાણીયાને સસ્પેન્ડ કરી તેમની વલસાડ આરટીઓ કચેરીમાં બદલી કરી છે.

હિંમતનગર સ્થિત આર.ટી.ઓ. કચેરીમાં ફરજ બજાવતા સિનીયર કલાર્કને હોદા્નો દૂરપયોગ કરી કચેરીમાં ભ્રષ્ટાચાર આચરવા સાથે ગેરશિસ્ત ઉભી કરવા તેમજ કચેરીમાં આવતા અરજદારોને હેરાન કરી, ખાનગી માણસોને કામ પર રાખી ગંભીર ગેરરીતિઓ આચરવાના મામલે રાજયના વાહન વ્યવહાર કમિશ્નરે મંગળવારે સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા હિંમતનગરની આર.ટી.ઓ. કચેરીમાં સોંપો પડી ગયો છે. 

કચેરીમાં કસુરવાર ઠરેલા સિનીયર કલાર્કની કમિશ્નરે વલસાડ ખાતે બદલી કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગર સ્થિત આર.ટી.ઓ. કચેરી ગેરરીતિઓ સાથે વહીવટીય રીતે અનેકવાર વિવાદોમાં સપડાયેલી રહી છે.

હિંમતનગર સ્થિત આર.ટી.ઓ. કચેરીમાં ખેંગારભાઇ કાનાભાઇ વાણીયા સિનીયર કલાર્ક (વર્ગ-૩) તરીકે ફરજો બજાવી રહ્યા હતા. 

સિનીયર કલાર્ક કે.કે.વાણીયા વિરૂધ્ધ ગંભીર આક્ષેપોવાળી ફરિયાદ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીને મળી હતી. જે ફરિયાદ અન્વયે કમિશ્નર કચેરી દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરાયા બાદ ખાસ ફરજ પરના અધિકારી દ્વારા તપાસનો અહેવાલ ગાંધીનગર વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીને સુપ્રત કરાયો હતો. 

જેમાં હિંમતનગર આર.ટી.ઓ. કચેરીના સિનીયર કલાર્ક કે.કે.વાણીયા પોતાની ફરજ દરમિયાન રાજય સેવક તરીકેના હોદા્નો દુરપયોગ કરી કચેરીમાં ભ્રષ્ટાચાર આચરવા, ગેરશિસ્ત ઉભી કરવા, કચેરીમાં આવતી મોટરીંગ પબ્લિકને હેરાન કરવા અને ખાનગી માણસોને કામ પર રાખી ગંભીર ગેરરીતિઓ આચર્યાનું પ્રથમ દર્શીય રીતે તપાસકર્તા અધિકારીને જણાયુ હતું. જેની ગંભીરતાને ધ્યાને લઇ રાજયના વાહન વ્યવહાર કમિશ્નર રાજેશ માંજુએ મંગળવારે કે.કે.વાણીયાને ફરજ મોકૂફીનો આદેશ કરી તેની વલસાડ ખાતેની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બદલી કરી દીધી છે.

તપાસમાં એજન્ટોના 32 દસ્તાવેજો મળી આવ્યાં

હિંમતનગર આર.ટી.ઓ.ના સિનીયર કલાર્ક કે.કે.વાણીયાના કાર્ય સ્થળ રૂમ નં.૮ માંથી તેમના ટેબલ પરથી વિવિધ કામગીરીને લગતા ૩૨ દસ્તાવેજો મળી આવ્યા હતા. જે દસ્તાવેજો પર જુદા જુદા એજન્ટોના ટૂંકા નામ-નિશાન જણાઇ આવ્યા હતા. આમ સિનીયર કલાર્ક વાણીયા એજન્ટો દ્વારા રજૂ થતા કામ કરતા હોવાનું જણાયેલ અને તે તેમણે લેખિત નિવેદનમાં સ્વીકાર્યુ છે. 

સિનિયર ક્લાર્કે  ખાનગી માણસોને પગાર પર રાખી કામ કરાવતો હતો 

સિનીયર કલાર્ક કે.કે.વાણીયા છેલ્લા સાતેક વર્ષથી આર.ટી.ઓ.ના કર્મચારીને જરૂર પડતા દસ્તાવેજોની ઝેરોક્ષ, વર્કશીટ લખવી, ટેક્ષની નોટીસો કાઢવી વગેરે કામગીરી કરવામાં ખાનગી વ્યકિતઓની મદદ લેવાતી હતી. જેમાં સિનીયર કલાર્ક તુષાર સોની નામના વ્યકિતને તેમના પગારમાંથી રૂા.૧૨૦૦ મહેનતાણા રૂપે ચૂકવીને કચેરીના પરીપત્રનો ભંગ કરતા હોવાનું પણ બહાર આવવા પામ્યુ છે.