મેરાન્યૂઝ નેટવર્ક. હિંમતનગર: મોટાભાગના કિસ્સામાં પતિ અને સાસરી પક્ષના ત્રાસના પગલે અને દહેજના દુષણમાં મહિલાઓ આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી લેતી હોય છે. સાબરકાંઠામાં એક ગ્રામ્ય વિસ્તારમાં પરણિત યુવકે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે હિંમતનગર જૂના ખેડાવાડા ગામે પતિએ પત્ની અને સાસરીયાના ત્રાસથી ગળે ફાંસો ખાઇ લીધો હતો. જુના ખેડાવાડા ગામે રહેતા સુરેશભાઇ કાનજીભાઇ સોલંકીને તેની પત્નિ રેણુકાબેન, સસરા નરેશભાઇ, સાસુ લાડુબેન, સાળા મુકેશભાઇ, સાળી જીગીશાબેન સહિતનાઓ તમો કોઇ કામધંધો કરતા નથી અને સારી રીતે રાખતા નથી તેમ કહી સુરેશભાઇને અવારનવાર શારીરિક,માનસિક ત્રાસ આપતા હતા. 

સુરેશભાઇને લગ્નજીવન દરમિયાન બે સંતાનોનો જન્મ થયો હતો. પત્નિ રેણુકાબેન વારંવાર પતિ સુરેશભાઇ સાથે ઝઘડા કરી ત્રાસ આપતા હતા. રેણુકાબેન ૧૮૧ અભયમ વાન સાથે ૧૦૦ નંબર પર ફોન લગાવી પોલીસ બોલાવી સુરેશભાઇના પિતા તેમજ પરિવારજનો પર કેસો કરતી હતી. શનિવારે પત્નિ તેમજ સાસરીયાઓનો ત્રાસ સહન ન થતા સુરેશભાઇને લાગી આવતા તેમણે પોતાના ઘરના રૂમમાં જ વાયર લઇ પાઇપ પર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. 

જુના ખેડાવાડામાં રહેતા કાનજીભાઇ મગનભાઇ ચમાર તેમજ તેના નાના દિકરા મહેશે અંદરના રૂમમાં જઇ જોતા સુરેશભાઇ ગળાફાંસો ખાધેલ હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. ૧૦૮ વાને આવી જોતા સુરેશભાઇ મૃત્યુ પામ્યાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. 

ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતા ગ્રામ્ય પોલીસે મૃતક સુરેશભાઇની લાશનું સિવિલમાં લઇ જઇ પી.એમ. કરાવ્યા બાદ લાશને મૃતકના પરિવારજનોને સોંપી હતી. ત્યારબાદ મૃતક પુત્રના પિતા કાનજીભાઇ મગનભાઇ ચમારે પુત્રવધૂ સહિત સુરેશના સાત સાસરીયા વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મરવાના દુષ્પ્રેરણનો મામલો દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધી ઘટનાની તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલા લખેલી બે ચિઠ્ઠીઓ મળી આવી

ઘરમાં પડેલ પ્લાસ્ટિકની કોથળીમાંથી બે ચિઠ્ઠીઓ મળી આવી હતી. જેમાં તેની પત્નિ તેમજ સાસુ, સસરા દ્વારા અપાતા ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યાનું ઉલ્લેખ કર્યો છે. જેમાં પત્નિ તેમજ સાસુ, સસરા માર મારતા હોવાનું તેમજ પોતાને સાસરીવાળા કમાવા દેતા નથી કે જીવવા દેતા નથી. જેથી ઘરેલુ હિંસાથી ત્રાસી ગયો છું તેવી જ ચિઠ્ઠીઓ લખ્યાનો પુત્રવધૂ તેમજ સાસરીયાઓ પર મૃતક પુત્રના પિતાએ આક્ષેપ મૂકયો છે.