મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનીક સ્વરાજ્યની અને હિંમતનગર નગરપાલિકાના ચૂંટણી મહાસંગ્રામના પ્રચારના આજે અંતિમ દિવસે વિવિધ રાજકીય પક્ષો દ્વારા રેલીઓ કાઢી શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકીય પક્ષોની રેલીમાં પેટ્રોલ અને રૂપિયા વહેંચવામાં આવતા હોવાની સાથે રેલીમાં જોડાનાર લોકો માટે અવનવા પ્રલોભન આપવામાં આવતા હોવાની વાત જગજાહેર છે. ત્યારે હિંમતનગરમાં ભાજપ દ્વારા યોજાયેલ શક્તિ પ્રદર્શન રૂપી રેલીમાં પેટ્રોલની કુપનોની ખુલ્લેઆમ વહેંચણી કરવામાં આવી હતી અને રેલી સ્થળે સ્ટેજ પરથી કુપન લઇ નજીકના પેટ્રોલપંપ પરથી પેટ્રોલ પુરાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

હિંમતનગર શહેરમાં યોજાયેલી ભાજપની બાઈક રેલીમાં રેલીના પ્રસ્થાન સ્થળ નજીક એક મકાનમાં ભાજપની રેલીમાં જોડાયેલા વાહન ચાલકોને પેટ્રોલની કુપનો વહેંચવાની શરૂ થતાની સાથે પેટ્રોલની કુપનો લેવા લાઇનો લાગી હતી અને નજીકના પેટ્રોલ પમ્પ પરથી પેટ્રોલ પુરાવી આવવાની જાહેરાત પણ સતત થઇ રહી હતી. ત્યારે ભાજપે બાઈક રેલીમાં ભીડ એકઠી કરવા પેટ્રોલની કુપન વહેંચતા આ ખર્ચ ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં આ પેટ્રોલની ગણતરી વહીવટી તંત્ર કરશે કે નહીં તે અંગે તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. કુપન વહેંચણીનો વિડીયો વાયરલ થતા ભાજપ ચૂંટણીમાં શામ-દામ અને દંડની નીતિ અપનાવી રહી હોવાનો કોંગ્રેસના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો.