જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુરનું નવીનીકરણ કરી તેને સિક્સ લેનમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે. જોકે, મંદગતિ અને આડેધડ કામ ચાલતું હોવાથી વાહનચાલકો પરેશાન થયા છે. વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.હાઈવેની બાજુમાં ખાડા કરી દેવાતા વરસાદી પાણી ત્યાં ભરાઈ જાય છે. જેના પગલે અજાણ્યા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. મોતીપુરા નજીક હાઈવે પર મસમોટા ખાડાઓ પડતા છેલ્લા બે દિવસમાં ૫ થી વધુ વાહનો ખાબકતા વાહનો અને વાહન ચાલકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જાણે નેશનલ હાઇવે ઓથોરીટી અને જવાબદાર તંત્રને માનવ જીવનની કોઈ કિંમત જ ન હોય તેમ ખાડાઓ પુરવાનું મુનાસીબ ન સમજતા સતત વાહન ચાલકો ખાડામાં ખાબકવાની ઘટના બનતા વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. હિંમતનગર પોલીસને ધ્યાને આ ઘટનાઓ આવતા વધુ વાહન ચાલકો ખાડાનો ભોગ ન બને તેના તકેદારીના ભાગરૂપે બેરીકેડ મુકી માનવીય અભિગમ દાખવ્યો હતો. લોકોએ પોલીસતંત્રની સરાહના કરી હતી.

હિંમતનગરના મોતીપુરા નજીકથી પસાર થતા ને.હા. નં-૮ પર સીક્સલેનની કામગીરી દરમિયાન પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાતા ખાડાઓથી અજાણ ૫ થી વધુ વાહન ચાલકો ખાડામાં ખાબક્યા હતા. તેમ છતાં હાઈવે ઓથોરીટી નિંભર નિદ્રામાં પોઢી રહી હોય તેમ ખાડાઓનું પુરાણ ન કરાતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો હતો ત્યારે મોતીપુરા નજીક હાઇવે પર પડેલ ખાડાઓ હિંમતનગર એ ડિવિજન પોલિસના ધ્યાન પર આ આવતા પી.એસ.આઇ સી.એફ. ઠાકોરે બેરીકેટ મુકાવી દીધા હતા. જેથી અન્ય અજાણ્યા વાહન ચાલકો ખાડાનો ભોગ ન બને હિંમતનગર પોલીસે હાઇવે ઓથોરીટી અને રોડ બનાવનાર એજન્સીએ કરવાની કામગીરી કરતા લોકોએ હિંમતનગર પોલીસની કામગીરીને આવકારી હતી.