મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત કેડરના IPS અધિકારી રજનીશ રાયને   કેંદ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સના (CRPF) ડાયરેક્ટર જનરલ ઓફીસ દ્વારા આજે DIG ગુરશક્તિ સિંઘ સોઢીની સહી સાથે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર (MHA) દ્વારા તેમને તારીખ ૧૭મી ડીસેમ્બરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ ૨૦૧૮માં રજનીશ રાય પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. IPS રજનીશ રાય રાજ્યમાં થયેલા સૌહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરના મુદ્દે ઘણા ચર્ચામાં રહ્યા હતા.

2005માં થયેલા સૌહરાબુદ્દીન શેખના બનાવતી એનકાઉન્ટર કેસની તપાસ DIG રજનીશ રાયના હાથમાં આપવામાં આવી હતી અને તેમણે IPS ડી જી વણઝારા, રાજકુમાર પાંડિયન અને રાજસ્થાનના IPS અધિકારી દિનેશ એમ.એન.ની ધરપકડ કરી હતી. જયારે મોદી PM બન્યા ત્યારે સતીશ શર્મા અને રજનીશ રાયને ડેપ્યૂટેશન પર નોર્થ-ઇસ્ટમાં મુકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે સમયના પોલીસ અધિકારીની ધરપકડ થતા તેઓ ચર્ચામાં આવ્યા હતા. જયારે IPS રજનીશ રાય આંધ્રપ્રદેશમાં CRPFમાં ફરજ હતા, ત્યારે તેમના પત્ની કે જેઓ IAS છે એટલે પતિ-પત્નીને એક જ જગ્યાએ રાખવાના સરકારના નિયમ મુજબ તેઓ ગુજરાતમાં પાછા આવવાની વાત પણ તે સમયે સામે આવી હતી.

ઓગસ્ટમાં રજનીશ રાયે એકાએક રાજીનામું આપી દેતા મુદ્દો ગરમાયો હતો. રજનીશ રાય 1992ની બેચના IPS અધિકારી છે અને તેઓ વર્ષ 2014થી કેંદ્ર સરકારમાં ડેપ્યૂટેશન પર ફરજ બજાવતા હતા. તેમના પત્ની વત્સલા વાસુદેવ IAS, ગુજરાત સરકારમાં ઔદ્યોગિક કોરિડોર કંપનીના MD તરીકે સેવા આપી રહ્યા છે.

IPS રજનીશ રાયનો ચર્ચાસ્પદ ઈતિહાસ એવો રહ્યો છે કે તેઓએ પોલીસ અધિકારી તરીકે ગુજરાતના નકલી એન્કાઉન્ટરના કેસોમાં પોલીસ અધિકારીઓની પુછપરછ કરી હતી અને તે સમયે તેઓ સરકારની આંખે ચઢ્યા હતા અને વારંવાર બદલીઓનો સામનો પણ કર્યો હતો.

આ હુકમમાં સસ્પેશન લેટરમાં એ લખવામાં આવ્યું છે કે IPS રજનીશ રાય CRPFના DGની પરમીશન વગર હેડ ક્વાટર્સ છોડ્યું હતું અને આ સમય દરમિયાન તેમને એલાઉન્સ પણ લીધા હતા. જે ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સ ૧૯૬૯ મુજબ માન્ય નથી.

આ ઓર્ડર થતાં પૂર્વ IPS અધિકારી રાહુલ શર્માનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે વોલન્ટરી નિવૃત્તિ પછી કેંદ્ર કોઈ અધિકારીને કઈ રીતે સસ્પેન્ડ કરી શકે.