પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 2017માં ખુશ્બુ જુનાગઢ પોલીસ તાલીમ શાળામાંથી પોલીસ અધિકારી તરીકેની આકરી તાલીમ અને પરીક્ષા પાસ કરી રાજકોટ પોલીસમાં આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટર તરીકે સામેલ થઈ હતી, ખુશ્બુ સાથે નોકરી કરનાર તેના સાથીઓ અને તાલીમ શાળામાં તેની સાથે તાલીમઆર્થી રહી ચુકેલા પોલીસ અધિકારીઓ કહે છે કે ખુશ્બુ ભલે મહિલા હતી પણ તેની તાકાત અને હિંમત કોઈ પુરૂષ અધિકારીને શરમાવે તેવી હતી. પોલીસ અધિકારી તરીકે તે એકદમ ફીટ હતી, તા 10મી જુલાઈની રાતે પોતાના ગામમાં બંધાઈ રહેલા નાનકડા ઘરના ખર્ચ માટે પોતાની અભણ માતા સાથે ફોન ઉપર વાત કરે છે, તે માતાને કહે છે કે, માં તે હમણાં સુઘી ઘણુ કર્યું હવે મારો સમય છે મને મારૂ કામ કરવા દે…

ખુશ્બુ ખુબ નાની હતી ત્યારે તે માં તેને પલંગની બાજુમાં સુવાડી ભજીયા બનાવતી હતી. ખુશ્બુના માતા પિતાએ ગુજરાન ચલાવવા માટે ભજીયા બનાવી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ખુશ્બુ તેમનું સૌથી મોટુ સંતાન હતી, એટલે જ ખુશ્બુના પિતાએ શરૂ કરેલી લારીનું નામ પણ ખુશ્બુ ભજીયા રાખ્યું અને આજે પણ ખુશ્બુના પિતા જામજોધપુરમાં ભજીયાની લારી ચલાવે છે. 2017માં ખુશ્બુ પોલીસમાં જોડાઈ ત્યાર પછી માતા પિતા માનવા લાગ્યા કે જીવનની કઠીણાઈનો અંત આવ્યો છે. જામજોધપુર જેવા નાનકડા ગામમાંથી મુંબઈની શ્રોફ કોલેજમાં જઈ ખુશ્બુએ સ્નાતકની ડીગ્રી મેળવી હતી. બધુ જ સારૂ થશે તેવું કહેતી ખુશ્બુએ તા 11 જુલાઈના રોજ પરિવારને આધાત આપ્યો, સવારે ખુશ્બુ જે સરકારી આવાસમાં રહેતી હતી ત્યાંથી ગોળી મારેલી હાલતમાં ખુશ્બુની લાશ મળી અને તેની બાજુમાં જ કોન્સટેબલ રવિરાજનો પણ મૃતદેહ પડયો હતો. તેના લમણામાં પણ ગોળી વાગી હતી.

ખુશ્બુ અને રવિરાજ વચ્ચે પ્રેમ હતો. જે વાત હવે જાહેર થઈ ચુકી છે. ખુશ્બુના લગ્ન ન્હોતા થયાં અને રવિરાજ એક બાળકીનો પિતા હતો. આ તબ્બકે સામાજીક કારણસર ખુશ્બુ અને રવિરાજના લગ્ન શકય ન્હોતા. ખુશ્બુ છુપાઈને કઈ કરે તેમ પણ ન્હોતી. ખુશ્બુને જ્યારે સાથી અધિકારીઓ રવિરાજના પ્રેમને થઈ રહેલી ચર્ચા અંગે તે કહેતી જેને મારા સંબંધ અંગે પુછવું હોય તે સામે આવી પુછે, આમ તો પોતાના સંબંધોને લઈ સ્પષ્ટ હતી. હમણાં સુધી રાજકોટ પોલીસની તપાસમાં જે આવ્યું તે પ્રમાણે પહેલા રવિરાજે ખુશ્બુને ગોળી મારી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી, પણ અચાનક શું બન્યું તેનો તાળો પોલીસ શોધી રહી છે. એકબીજાને અઢળક પ્રેમ કરનાર માણસ  બીજાને ગોળી મારે અને પોતે પણ કેમ મરી જાય તે હજી તપાસ કરનાર અધિકારીઓને સમજાતુ નથી. આવા અનેક પ્રશ્નના ઉત્તર પોલીસ શોધી રહી છે. આ પ્રશ્નનો ઉત્તર પોલીસને મળશે કે સમયના ગર્ભમાં તે ઓગળી જશે તે કહેવું હાલમાં શકય નથી.

ખુશ્બુના માતા પિતા માટે આ બીજો આધાત હતો, ખુશ્બની નાની બહેન વિધીએ ચાર વર્ષ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. ખુશ્બુ પોતે પણ વિધીને ભુલી શકી નહીં, વિધીની ગેરહાજરીમાં પણ છેલ્લાં ચાર વર્ષથી ખુશ્બનો જન્મ દિવસ ધામધુમથી ઉજવતી હતી. ખુશ્બએ હજી ચાર દિવસ પહેલા તા 9મી જુલાઈના રોજ વિધીના જન્મ દિવસે મિત્રો અને સંબંધીઓને બોલાવી કેક કાપી હતી અને ગરબે ધુમી હતી, ખુશ્બુ જ્યારે નોકરી ઉપર ના હોય અને કોઈ પ્રસંગમાં જવાની હોય ત્યારે તૈયાર થવાનો ખુબ શોખ હતો, એટલે જ્યારે તેની અંતિમવિધીમાં હાજર તેની સાથી મહિલા પોલીસ અધિકારીઓએ તેના અંતિમ સંસ્કાર પહેલા તેને તૈયાર કરી હતી. અંતિમવિધી વખતે આવી પહોંચેલી ત્રણ બાળાઓ ખુશ્બનો નશ્વર દેહ જોઈ કહ્યું અમને દીદીએ કહ્યું હતું કે, તમારે ખુબ ભણવાનું છે, તમારા પપ્પા ના પાડે તો હું તમને ભણાવીશ પણ હવે અમને કોણ ભણાવશે આ બાળાનો પ્રશ્ન સાંભળી ત્યાં હાજર તમામની આંખો ભીની થઈ ગઈ હતી.

ખુશ્બુના ખાખી કપડા પાછળ પણ એક ઉત્તમ માણસ જીવતો હતો. ખુશ્બુએ આવુ કેમ કર્યું તેનો ઉત્તર આપવા તો હવે ખુશ્બુ નથી, ખુશ્બુની ગેરહાજરીમાં તેણે ગર્ભપાત કરાવ્યો હતો, ખુશ્બુ  જેને ભાઈ માનતી હતી તેવા સાથી ઓફિસર વિવેકને લઈ પણ અનેક અટકળો અખબારમાં આવી રહી છે પણ આ બધાનો જવાબ આપવા માટે હવે ખુશ્બુ જ નથી. ખુશ્બુને આજે તેના નાના ભાઈ કરણે અગ્નીદાહ આપ્યો હતો. ખુશ્બુની સાથી રહેલી મહિલા અધિકારીઓ જ્યારે ખુશ્બુના અંતિમ સંસ્કાર પછી જઈ રહી હતી ત્યારે તેની માતાએ તેમનો હાથ પકડી કહ્યું હું તો અભણ માં છું મને કાયદો ખબર પડતી નથી, પણ મારી ખુશ્બુએ આવુ કેમ કર્યું તેનો જવાબ તમારે શોધવાનો છે. મારી ખુશ્બુને તમે મદદ કરજો. આ વખત આંખમાં આંસુ સિવાય મહિલા અધિકારીઓ પાસે કોઈ જવાબ ન્હોતો.