પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં નિસ્બત ધરાવતા લોકોની સંખ્યા નાની નથી, પણ આપણે તેવું માની લીધું છે કે નિસ્બત માત્ર શબ્દો દ્વારા જ વ્યકત થઈ શકે છે, નિસ્બત વ્યકત કરવાનું શબ્દ એક સાધન છે, પણ માત્ર આપણા શબ્દ દ્વારા જેઓ મુશ્કેલીમાં છે તેમની મુશ્કેલી દુર થતી નથી, આવી શબ્દો દ્વારા અનેક વખત મારી નિસ્બત વ્યકત કરી હતી. થોડા વર્ષો પહેલા જ્યારે હું એક વિચિત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મારી પાસે કહેવા માટે તો ગુજરાતના એક મોટા અખબારની નોકરી હતી, પણ અમે કેટલાંક પ્રશ્ને હાઈકોર્ટમાં ગયા હોવાને કારણે મારો અને મારા સાથીઓનો પગાર ઘણા મહિનાઓથી બંધ હતો. અમારા પ્રશ્નથી પત્રકારત્વ સાથે સંકળાયેલા અને બીન પત્રકાર મિત્રો વાકેફ હતા, મારા મિત્રોને અમારા પ્રશ્નની નિસ્બત હતી, તેઓ સતત તેમના શબ્દો દ્વારા નિસ્બત વ્યકત કરી રહ્યા હતા.

મિત્રો મને પુછતાં કોઈ જરૂર હોય તો કહેજો, મને અને મારા સાથીઓને જરૂર હતી કારણ હાઈકોર્ટમાં થયેલો ખર્ચ અને થોડી ઘણી બચત હતી તે પણ વપરાઈ ગઈ હતી, મારા સહિત મારા સાથીઓને કોઈ મદદ જોઈતી હોય તો મદદ કરવા તૈયાર હતા, પણ અમારી પાસે પૈસા નથી, તેવું કહેવાની હિંમત અમારી કોઈની અંદર ન્હોતી, પગાર વગર મહિનાઓ પસાર થઈ રહ્યા હતા અને દિવસેને દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી હતી. આ વખતે મારા પત્રકારત્વને કારણે સંપર્કમાં આવેલા પોલીસ અધિકારી શંકર ચૌધરી જેમને અમારી ખરેખર નિસ્બત હતી, તેમણે એક દિવસ વાત કરતા કરતા મારા ખીસ્સામાં દસ હજાર રૂપિયા મુકી દીધા, અચાનક તેમણે મારા ખીસ્સામાં પૈસા મુકતા હું સ્તબ્ધ થઈ ગયો.

મેં સંકોચ સાથે ખીસ્સામાંથી પૈસા કાઢ્યા અને તેમને પરત આપતા કહ્યું અરે મારે પૈસાની કોઈ જરૂર નથી, મારી પાસે છે, તેમણે મિત્રતામાં મને ઠપકો આપતા ક્હયું ડાહ્પણ કરશો નહીં, મને તમારી સ્થિતિ ખબર છે, આ મદદ નથી, ઉધાર છે, આવી જ રીતે વર્ષો પહેલા ભાજપના નેતા પુંજાભાઈ ગમારાએ પણ મદદ કરી હતી, આવી જ નિસ્બત બતાડવામાં મારા મિત્ર તુષાર પટેલ પણ માહિર છે આવી બધી ઘટનાઓઍ મને શીખવાડયું કે આપણને જેની નીસબ્ત છે, તેને પુછયા વગર આપણી હેસીયત વગર મદદ કરી દેવી અને મદદ કરી ભુલી જવી, જેથી કરી મદદ લેનારને અને આપણને તેનો ભાર લાગે નહીં. કોરોના કાળ માણસાઈનો પરિક્ષાકાળ રહ્યો આપણા ઓળખીતા અને અજાણ્યા લોકોને આપણી જરૂર હતી, આપણને તેમની નિસ્બત પણ હતી, પણ મોટા ભાગના કિસ્સામાં આપણે મારા લાયક કઈ કામ હોય તો કહેજો તેમ કહી આપણી નિસ્બત પુરી કરી.

ફેસબુક અને વોટસએપના યુગમાં તો આપણે સોશિયલ મીડિયા ઉપર લાંબી લાંબી નિસ્બતો જોઈ છે, પણ તે પૈકી બહુ ઓછા લોકોએ ખીસ્સામાં હાથ નાખી અથવા પોતાનો સમય અને આવડત ખર્ચી ખરા અર્થમાં નિસ્બત વ્યકત કરી હતી. અમદાવાદના એક પત્રકાર ધવલ પટેલ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો, તેની સાથે પત્રકારોએ સોશિયલ મીડિયા ઉપર નિસ્બત વ્યકત કરવાની શરૂઆત કરી, પણ ધવલને ખરા અર્થમાં મદદ મળે તેવી નિસ્બત વ્યકત કરનાર પત્રકાર આંગળીના વેઢે જ મળ્યા, પણ ધવલનો મામલો કોર્ટમાં જવાનો હતો. ગુજરાત હાઈકોર્ટ સુધી જવાનું હતું, પણ લોકોની નિસ્બતની ચિંતા કરતા ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ ચાજ્ઞિકે સામેથી ફોન કરી કહ્યું, હું ધવલનો કેસ લડીશ અને હાલમાં તેઓ ફિ લીધા વગર કેસ લડી રહ્યા છે.

બિહારના નાલંદના જિલ્લામાં એક બાળ ગુનેગારને કોર્ટમાં રજુ કરનાર પીએસઆઈએ કોર્ટને બાળ ગુનેગારના ઘરની સ્થિતિ કહ્યા બાદ જજે કાયદા અનુસાર બાળ ગુનેગાર સામે કાર્યવાહી તો કરી પણ તેના પરિવારને વ્યકિતગત રીતે દસ હજારની મદદ કરી હતી. નિસ્બત વ્યકત કરવાની આ જ ખરી રીત છે. માત્ર શબ્દોથી કોઈનું પેટ ભરાતુ નથી, માત્ર શબ્દથી કોઈ બાળકની ફિ ભરાતી નથી, માત્ર શબ્દથી કોઈ ગરીબની સારવાર થતી નથી. જયારે નિસ્બત વ્યકત કરીએ ત્યારે કોઈ બીજો મદદ કરવા આગળ આવશે તેવી અપેક્ષા રાખ્યા વગર આપણી હેસીયત પ્રમાણે આપણે પણ મદદ કરવી જોઈએ, ખાલી સોશિયલ મીડિયા ઉપર શ્રમીકોની ચિંતા કરવાથી તેમની સમસ્યા હળવી થતી નથી. ટ્રેનમાં જઈ રહેલા શ્રમીકોની સ્થિતી જોઈ મહેસાણાના રેલવે અધિકારી બળવંતસિંહ રાઠોડ અને અમદાવાદના અધિકારી વિજય બારોટે પોતાના પૈસે શ્રમીકોના ભોજન પાણીની વ્યવસ્થા કરી તેને નિસ્બત વ્યકત કરી ખરા અર્થમાં કહેવાય.