મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં મતની રાજનીતિ હાલમાં જ લોકોએ જોઈ જ્યારે મત માટે સરકારે મોત તરફ ઝૂકાવ આપ્યો હતો. ગુજરાત સરકારે જ્યારે હેલ્મેટને મરજિયાત કર્યું ત્યારથી જ તે મુદ્દો રુપાણી સરકાર માટે એક શરમ જનક બાબત બની ગઈ હતી. એક બાજુ ઢીંઢેરો પીટ્યો કે હેલ્મેટ હવે મરજિયાત- આમ, ને તેમ, ફલાણું, ઢીમકું. ફાંકાફોજદારીમાં તો ક્યાંય કાંઈ બાકી રાખ્યું નહીં અને આજે જ્યારે હાઈકોર્ટમાં આ મુદ્દો છે ત્યારે સરકાર રીતસર ગુલાટ મારી ગઈ હતી. રુપાણી સરકારે હાઈકોર્ટમાં આજે સોગંદનામું રજુ કર્યું અને તેમાં કહ્યું કે હેલ્મેટ તો ફરજિયાત જ છે.

થોડા વખત પહેલા ગુજારતમાં ભાજપ સરકારના મંત્રીએ જાહેરાત કરી કે હવે હેલ્મેટ મરજિયાત છે. જોકે કોઈને આ નિર્ણય પર જે તે વખતે ભરોસો થતો ન હતો, બધા બેથી ત્રણ વ્યક્તિ સાથે પુછી કે ન્યૂઝમાં વારંવાર વાંચીને કન્ફર્મ કરતાં હતા કે ક્યાંક પોતાની તો ભૂલ થતી નથીને, પરંતુ તેવું ન હતું. આ સરકારની જ ગણતરીઓથી લેવાયેલો નિર્ણય હતો. જેમાં સોશ્યલ મીડિયામાં ક્યાંક સરકારની વાહવાઈ હતી હતી તો ક્યાંક ટીકા, જે સ્વાભાવીક હતું. છતાં સરકારે પોતાના આ નિર્ણયને ચાલુ રાખ્યો હતો. આ સંદર્ભે હાઈકોર્ટમાં એક અરજી થઈ અને તેમાં કોર્ટે સરકારને નોટિસ આપી હતી.

જેતે વખતે સરકારે કોર્ટમાં કહ્યું કે, ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત જ છે, અને પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે. જ્યારે આજે સરકારે આ મામલે હાઈકોર્ટમાં પોતાનું સોંગદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત જ છે. મરજિયાતનો કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી. આર સી ફળદુની જાહેરાતને હાઈકોર્ટે રદ્દ કરી નાખી અને હવે તો 12 વર્ષના બાળક અને મહિલાને પણ હેલ્મેટ પહેરવું પડશે. આગળ બેસનાર અને પાછળ બેસનારને પણ હેલમેટ પહેરવું પડશે.

ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી દ્વારા પત્ર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ કર્યો છે. સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત છે પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી એક પ્રેસ નોટ દ્વારા પહોંચાડાયો હતો, હવે સરકારે સોગંદનામામાં હેલ્મેટ ફરજિયાત હોવાનું કહ્યું છે.