મેરાન્યૂઝ નેટવર્ક. હૈદરાબાદ: આંધ્રપ્રદેશઅને તેલંગાણામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (આઈએમડી) એ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. આંધ્ર સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને આ અંગે પત્ર લખીને સજાગ રહેવા જણાવ્યું છે. બીજી તરફ રાજધાની હૈદરાબાદમાં વરસાદને કારણે એક દિવાલ પડી હતી. આ અકસ્માતમાં 2 મહિનાના બાળક સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ મૃતદેહો કાટમાળમાં ફસાયેલી છે. બચાવ ટીમો સ્થળ પર છે.

હૈદરાબાદના સાંસદ ઓવૈસી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ટ્વીટ કર્યું, 'હું બુંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સ વિસ્તારનું નિરીક્ષણ કરવા ગયો હતો, જ્યાં બાઉન્ડ્રી દિવાલ પડી હતી. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે લોકો ઘાયલ થયાં હતાં. મેં શમસાબાદમાં ફસાયેલા લોકોને લિફ્ટ આપી હતી અને હવે હું તાલબકટ્ટ અને યસરાબનગર જવાના માર્ગ પર છું.

જણાવી દઈએ કે તેલંગાણામાં વરસાદને લીધે અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ નુકસાનના અહેવાલ છે. બંગાળની ખાડીમાં બનેલો ઊંડો દબાણ વિસ્તાર આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના કાકિનાડામાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થયો હતો, જેના કારણે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ઊંડો દબાણનો વિસ્તાર આજે સાંજનાં સાડા છ થી સાડા સાત વાગ્યાની વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થયો હતો. પૂર્વ ગોદાવરી જિલ્લામાં ભારે વરસાદને કારણે બોમ્મુરુ ગામમાં ઘરની છત નીચે પડી જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.

આંધ્રના મુખ્ય સચિવ સોમેશ કુમારે અસરગ્રસ્ત જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખીને તેઓને સજાગ રહેવા જણાવ્યું છે. તેમણે લખ્યું કે, 'નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે ભારે પાણી ભરાવું અને પૂરની પરિસ્થિતિઓ થઈ શકે છે. ઝાડ પડી શકે છે અને વીજળી પડી શકે છે. આ કિસ્સામાં, નાના પુલો પર ખાસ નજર રાખો. જ્યાં જોખમ હોય તેવા સ્થળોએ ટ્રાફિક અને પદયાત્રીઓના માર્ગને તાત્કાલિક પ્રતિબંધિત કરો. ખાતરી કરો કે કોઈ જાન-માલનું નુકસાન ના થાય .