દેવલ જાદવ (મેરાન્યૂઝ.નવી દિલ્હી): મનસુખ માંડવિયાએ આજે કોરોનના દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવેલી સફદરજંગ હોસ્પિટલમાં નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત અન્ય ચાર સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું. આ પછી ડોક્ટરોને સંબોધતા તેમણે અહીં સરપ્રાઇઝ વિઝિટની ઘટના વર્ણવી હતી. જ્યારે તે સામાન્ય દર્દીની જેમ બેન્ચ પર બેઠા ત્યારે ગાર્ડે તેમને દંડો માર્યો હતો અને અહીં ન બેસવાનું કહ્યું હતું.

મનસુખ મંડવીયાએ જણાવ્યું હતું કે, " મારી હોસ્પિટલની વિઝીટમાં મેં જોયું કે હોસ્પિટલમાં લગભગ 75 વર્ષની વૃદ્ધ મહિલાને તેના પુત્ર માટે સ્ટ્રેચરની જરૂર હતી. સિક્યોરિટી ગાર્ડ્સે સ્ટ્રેચર મેળવવામાં મદદ કરી ન હતી. હોસ્પિટલમાં વ્યવસ્થા એવી રીતે કરવી જોઈએ કે દર્દીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. જો હોસ્પિટલમાં ૧,૫૦૦ ગાર્ડસ હોય તો તેઓ વૃદ્ધ મહિલાને સ્ટ્રેચર લઈ જવામાં કેમ મદદ કરી શકતા નથી?  તેમણે હોસ્પિટલના સંચાલકોને નિર્દેશ આપ્યો હતો કે ઇમરજન્સી બ્લોકમાં પૂરતી સંખ્યામાં ગાર્ડસ તૈનાત કરવા જોઈએ જેથી તેમણે દર્દીઓને મદદ કરી શકે. "

Advertisement


 

 

 

 

 

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આ આશ્ચર્યજનક ઘટનાનો અનુભવ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શેર કર્યો હતો. મનસુખ માંડવિયાએ કહ્યું કે પીએમએ તેમને પૂછ્યું કે સિક્યોરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કે નહીં. તેના જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે ના, કારણ કે તેઓ સિસ્ટમમાં સુધારો કરવા માંગે છે.

 

આ ઘટના ૨૪ ઓગસ્ટે બની હતી જ્યારે મનસુખ માંડવિયા સામાન્ય દર્દી તરીકે સફદરજંગ હોસ્પિટલના ઇમરજન્સી બ્લોક પર પહોંચ્યા હતા. આ પછી તેમણે સીજીએચએસ ડિસ્પેન્સરીનું સરપ્રાઈઝ નિરીક્ષણ પણ કર્યું હતું. ગુરુવારે તેમણે હોસ્પિટલમાં દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી અને સુવિધાઓ વિશે પૂછપરછ કરી હતી.