મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : તહેવારો નજીક આવી રહ્યા હોઈ સામાન્ય રીતે લોકો હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા જવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે મનપાના આરોગ્ય વિભાગે શહેરની જુદી-જુદી 6 નામાંકિત હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ તો મેંદાના લોટમાંથી ધનેડા નીકળી આવ્યા હતા. જેને પગલે આ દરોડા દરમિયાન કુલ 758 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. અને આરોગ્ય વિભાગે તમામ 6 વેપારીઓને નોટિસ પણ ફટકારી હતી.

આ દરોડા દરમિયાન લાપીનોઝ પીઝામાંથી 93 કિલો, સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટમાંથી 138 કિલો, પ્લેટિનમ હોટલમાંથી 144 કિલો, પીઝા કેસલમાંથી 110 કિલો, સહિત સ્મિત કિચનમાંથી પણ 198 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. આ તમામ ચીજ વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને આરોગ્યના વિવિધ ધારા-ધોરણોનું પાલન નહીં કરવા માટે નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.