પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 1985માં ભારતીય પોલીસ સેવામાં જોડાયેલા અમદાવાદના પોલીસ કમિશનર અનુપકુમાર સિંગ (એ કે સિંગ) રવિવારે તરત ક્રાઈમ બ્રાન્ચ દોડી આવ્યા હતા. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં પોતાની ઉપર ગેંગરેપ થયો તેવી ફરિયાદ કરનાર પીડીતાએ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશીયલ પોલીસ કમિશનર જયેશ ભટ્ટ ઉપર આરોપ મુકયો હતો કે તેઓ તેના સ્વમાનને પીડા થાય તેવા પ્રકારના સવાલ પુછી રહ્યા છે અને તેને પોતાની મુળ ફરિયાદ બદલવા માટે દબાણ કરી રહ્યા છે.

આ પ્રકારના આક્ષેપ જ્યારે પણ પોલીસ દળ ઉપર થયા છે, ત્યારે સિનિયર પોલીસ અધિકારી પોતાના જુનિયર પોલીસ ઉપર જવાબદાર ઢોળી છટકી જવાની માનસીકતા ધરાવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં પોલીસ કમિશનર અનુપકુમાર સિંગે એક સિનિયર પોલીસ અધિકારી કેવા હોય જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા કહ્યું કે હું અમદાવાદનો પોલીસ કમિશનર છું અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મારા તાબામાં આવે છે, ક્રાઈમ બ્રાન્ચ ઉપર આક્ષેપ થયો તે મારા ઉપરનો આક્ષેપ છે, જે અમારા માટે કલંક સમાન છે. તેમણે પીડીતાના સ્વમાનને જાળવતા કહ્યું કે અમે એક પીડીત યુવતીનો વિશ્વાસ ગુમાવ્યો છે તેનું દુઃખ છે.

અમે તેનો વિશ્વાસ સંપાદન કરવા માટે પ્રયત્ન કરીશું, કમિશનર સિંગે કયાંય પીડીતા ખોટું બોલે છે તેવું કહ્યા વગર કહ્યું કે પીડીતા અને તેના પરિવારને ન્યાય મળ્યાનો અહેસાસ થાય તેવી તપાસ કરીશું, આમ કમિશનર સિંગે પોતાની જવાબદારીમાં છટકયા પણ નહીં અને તેમણે પીડીતાના આક્ષેપ બાદ ઉતાવળ અને ડરમાં માનસીક સ્વસ્થતા જાળવી રાખી પોલીસ કઈ પણ છુપાવી રહી છે તેવો ભાવ પણ  આવ્યા દીધા વગર પત્રકારો સામે શકય એટલા પ્રમાણિક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો, કદાચ અમદાવાદ પોલીસના ઈતિહાસમાં પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓનો આ પ્રકારના અનુભવ પત્રકારો માટે પહેલી વખત હતો.

અનુપકુમાર સિંગ 1993માં વડોદરાના ડેપ્યુટી પોલીસ કમિશનર પણ હતા ત્યારે વડોદરાનો કુખ્યાત ગેંગસ્ટર રાજુ રીસાલદારને તેમણે ઠાર માર્યો હતો, પણ તેઓ ક્યારેય તેમણે મહાન કામ કર્યું છે તેનો ભાર લઈ ફર્યા નહીં પોતાના કામ સાથે કામ રાખનાર આઈપીએસ અધિકારી સિંગ માટે તેઓ જે પણ કામ કરે છે, તેને પોતાની પોલીસ અધિકારીની નોકરીનો ભાગ માન્યો છે, સારૂ પણ થયુ તો પોલીસે સારૂ જ કરવાનું હોય તેવો તેમનો મત રહ્યો છે, પ્રસિધ્ધીને પોતાનાથી છેટી રાખનાર કમિશનર સિંગે રાજકારણીઓથી પણ છેટે રહેવાનો પ્રયત્ન કરેલો છે, જેના કારણે તેઓ કોઈ મંત્રીની ચેમ્બર અથવા મંત્રીના બંગલે જેવા મળતા નથી.

અમદાવાદના પોલીસ કમિશનર થવું ગુજરાતના કોઈ પણ આઈપીએસ અધિકારીનું સ્વપ્ન હોય છે. અનુપકુમાર સિંગને જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિયુકત કરવામાં આવ્યા ત્યારે તેમના વ્યવહાર અને જીંદગીમાં કોઈ ફેર પડયો નહીં, સિંગ અને તેમના પત્ની શ્રીમતી સિંગ અમદવાદના લો ગાર્ડનમાં રોજ રનીંગ કરવા આવતા હતા, તેઓ જ્યારે કમિશનર ન્હોતા ત્યારે પણ જેમ રનીંગ કરવા આવતા હતા. તેવો જ ક્રમ કમિશનર થયા પછી પણ રહ્યો, કમિશનર થયા ત્યારે અખબારમાં તેમની તસવીર જોઈ ઘણા મોર્નીંગ વોકરને ખબર પડી કે આ તો સિનિયર આઈપીએસ અધિકારી છે જે આપણી સાથે રનીંગ કરતા હતા.

પોતાના વ્યકિત કામે નિકળતા સિંગ સરકારી વાહન અને પોલીસની હાજરી પોતાની સાથે હોય તે પસંદ કરતા નથી, તેના કારણે પોલીસ યુનિફોર્મ વગર પરિવાર સાથે અમદાવાદમાં ફરતા સિંગ અમદાવાદના પોલીસ કમિશનર છે તેવું જાણવું અધરૂ છે, ઘણા આઈપીએસ અધિકારી પ્રમાણિક છે, પણ પ્રમાણિકતાને કારણે પડતી મુશ્કેલીનો ગુસ્સો તેઓ બીજા ઉપર ઉતારે છે, સિંગ એક અપવાદ છે, તેઓ પ્રમાણિક છે તેનું તેમને અભિમાન નથી અને તેઓ પ્રમાણિક હોવાને કારણે પરેશાન થયા તેના કારણે તેમની અંદર તોછડાપણું પણ આવ્યું નથી. છતાં તેઓ પોતાની વાત ઉપર મક્કમ રહે છે, કાયદાના પુસ્તકની બહાર અને અમદાવાદ પોલીસ કમિશનરનું પદ મળ્યું છે તે જતું રહેશે તેવો ડરમાં તેમને સરકાર અથવા કોઈ રાજકારણીને તાબે થનાર તેઓ નથી.

અમદાવાદમાં ગેંગરેપનો મુદ્દે સંવેદનશીલ બન્યો છે, આરોપીઓ પૈકી ગૌરવ દાલમીયાને ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે સંબંધ છે તેવી તસવીરો વાયરલ થઈ અને અખબારમાં છપાઈ છે, પણ આવી કોઈ બાબત અનુપકુમાર સિંગની તપાસને પ્રભાવીત કરી શકે તેમ નથી. અખબાર અને ટેલીવીઝનમાં આવતા સમાચારોને કારણે તેઓ ઉતાવળે કોઈ નિર્ણય કરશે નહીં કારણ ઘણી વખત સમાચારના પ્રભાવથી દુર રહેવુ પણ મુશ્કેલ હોય છે, છતાં પીડીતાને ન્યાય મળશે તે નક્કી છે. તે ખાખી કપડામાં જીવતો એક માણસ છે અને તેમણે પોતાનો આત્મા હજુય બચાવી રાખ્યો છે.