મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કોરોનાની સ્થિતિ અમદાવાદમાં પણ વિકટ બની રહી છે., પણ સરકારી તંત્ર આંકડાઓની રમત રમી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે તેવો દેખાવ કરી રહ્યું છે. જે આવનાર સમયમાં ધાતક સાબીત થવાનું છે. કોરાના સામેની લડાઈની વિવિધ તકેદારીની વ્યૂહ રચનાઓના ભાગ રૂપે જયાં પણ પોઝિટિવ દર્દીઓ મળી આવે તે સંસ્થા અને એકમોને બંધ કરી દેવામાં આવે છે. જેના ભાગ રૂપે ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદની દસ કરતા વધુ પોસ્ટ ઓફિસને પણ બંધ કરી દેવામાં આવી હતી, પણ આ નિયમો માત્ર સરકારી કચેરીઓને લાગુ પડતો હોય તેવું લાગે છે. અમદાવાદના મણિનગરમાં નક્ષત્ર બિલ્ડીંગમાં આવેલી HDFC બેન્કના મેનેજર સહિત બે કર્મચારીઓ પોઝિટિવ થયા છતાં બેન્કના અધિકારીઓએ ધંધો ચાલુ રાખવા માટે આ મામલે સ્ટાફને મોંઢુ બંધ રાખવાની સૂચના આપી બેન્ક ચાલુ રાખી છે.

HDFC બેન્કની આ ભુલ કેટલી ધાતક સાબિત થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કોઈ પણ બેન્કમાં ખાતેદારોની ખાસ્સી અવરજવર રહેતી હોય છે, તેવા કિસ્સામાં જયારે કોઈ બેન્ક કર્મચારી સંક્રમીત થાય તો આ કર્મચારી દ્વારા સાથી કર્મચારી સહિત બેન્કમાં આવનાર ગ્રાહકોને પણ સંક્રમણ ફેલાઈ શકે છે, એક જ બ્રાન્ચના બે કર્મચારીઓ સંક્રમીત થયા પછી બેન્ક અધિકારીઓએ બ્રાન્ચ બંધ કરી બાકીના સ્ટાફને હોમ કોરોન્ટાઈનમાં મોકલી દેવાની જરૂર હતી, પણ બેન્ક અધિકારીઓ ધંધો કરવાની લ્હાયમાં સંક્રમીત થયેલા કર્મચારીઓના મામલે મોંઢુ બંધ રાખી પોતાના સ્ટાફની સાથે બેન્કમાં આવનાર ગ્રાહકોના જીવનને પણ જોખમમાં મુકી દીધા છે.

સુત્રોની જાણકારી પ્રમાણે બુધવારના રોજ આ મામલે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ બેન્કના અધિકારીઓને બ્રાન્ચ બંધ કરવાની તાકીદ આપી, આ પ્રકારની બેદરકારી દાખવનાર બેન્ક અધિકારીને નોટિસ આપશે તેવી જાણકારી મળી રહી છે.